સુરતઃ પાંડેસરાના ગોડાદરા વિસ્તારમાં આવેલ આસપાસના પટેલનગરમાં 50 વર્ષીય મઠાલુસિંગ રાજપૂત રહેતા હતા. તેઓ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ ખાતા(કારખાના) નંબર 134માં કામ કરતા હતા. તા 29 ઓગસ્ટે ફરજ દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. જો કે મઠાલુસિંગના મૃત્યુની જાણ પરિવારને 48 કલાક બાદ કરવામાં આવી હતી. પરિવારની પરવાનગી વિના જ મૃતકનું પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું હતું. જે સંદર્ભે કારખાનાના શેઠ અને પરિવાર વચ્ચે આજ રોજ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઘર્ષણ થયું હતું.
સમગ્ર ઘટનાક્રમઃ મૃતક પાંડેસરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં કામ કરતા હતા. તેમના ખાતામાં જ આ ઘટના બની હતી. સાંજે ખાતામાં કામ કરવા ગયા અને સાયકલ મૂકીને બેઠા ત્યાં જ એમનું મૃત્યુ થયું હતું. મૃતકના શેઠ જણાવે છે કે તેઓ દારૂ પીન આવ્યા હતા. તેના કારણે તેમનું મોત થયું છે. પોલીસ કહે છે કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. જેમાં ખાતા માલિકની પણ લાપારવાહી છે. માલિકે મૃતકના મૃત્યુ બાદ પરિવારને તુરંત જાણ કરી નહતી. તેમણે 24 કલાક બાદ એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી. મૃતક 10 દિવસ પહેલા કામ ઉપર લાગ્યા હતા. શેઠની પણ જવાબદારી બને છે કે, તેમણે તમામ ડોક્યુમેન્ટ લઈને કામ ઉપર રાખવા જોઈતા હતા. આ તમામ બાબતો સંદર્ભે શેઠ અને મૃતકના પરિવારો વચ્ચે ઘર્ષણ થયું હતું.
મૃતક મઠાલુસિંગ રાજપૂત મારા મોટા પપ્પા હતા.તેમનું મૃત્યુ ગત 29 તારીખે સાંજે 7 વાગ્યાની આસપાસ થયું હતું. જે બાબતથી જાણ અમને ગઈકાલે સાંજે પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. તેમનું પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે. અમે પોલીસને પૂછ્યું કે તેમનું મૃત્યુ કઈ રીતે થયું છે? પરિવારજનોની પરવાનગી વગર પોસ્ટમોર્ટમ કઈ રીતે કરવામાં આવ્યું? તો પોલીસે જણાવ્યું કે, તેમને મૃત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. મૃતકની લાવારિસ તરીકે એમએલસીમાં નોંધણી કરવામાં આવી હતી...જીતેન્દ્ર રાજપુત (મૃતકના ભત્રીજા)
પરિવારની માંગણીઃ પરિવાર ઈચ્છે છે કે તેમને ન્યાય મળવો જોઈએ. પરિવારમાં બે દીકરાઓ અને એક દીકરી છે. તેઓ છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહે છે. મૃતક મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીના વતની છે. મૃતકની દીકરીના 4 મહિના બાદ લગ્ન પણ છે. પરિવારે ન્યાય ન મળે તો બોડી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.