સુરત : યુનિવર્સિટીમાં ભણીને કારકિર્દી ઉજ્જવલ બનાવવા માંગતા કેટલાક વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં 200 અને 500 ની નોટ મૂકી પાસ થવા માંગે છે. પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓના ગતકડાંઓથી ઉત્તરવહી ચકાસનાર પ્રોફેસર પણ હેરાન થઈ ગયા છે. વિદ્યાર્થીઓ ક્યારેક પૈસા મૂકી લાલચ આપે છે તો ક્યારેક અશબ્દ લખી પાસ થવા માંગે છે. ત્યારે આ પ્રકારની બાબતેને ધ્યાને લઇ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી આવા વિદ્યાર્થીઓને પહેલા કાઉન્સિલિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ ફરીથી આવી ભૂલ કરશે તો કડક પગલાં ભરવામાં આવશે.
ઉત્તરવહીમાં અશ્લીલ અને અપશબ્દ લખનાર વિદ્યાર્થીઓ અને હાલ ઉત્તરવહીમાં 200 રૂપિયાથી લઈ રૂ.500 મૂકી પાસ કરવાની વાત કરનાર વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી દ્વારા ઠોસ પગલાં ભરવામાં આવશે. વિદ્યાર્થી યુવા છે અને યુવા ધનને તેમની દ્વારા કરવામાં આવેલી ભૂલ સમજ પડે આ માટે અમે પહેલાં તો તેમને કાઉન્સિલિંગ કરાવીશું. કાઉન્સિલિંગ બાદ પણ જો તેઓ આવી જ ઘટનાને અંજામ આપશે તો પરીક્ષામાં પેનલ્ટી સાથે ઝીરો માર્ક્સ આપવામાં આવશે...રમેશ ગઢવી (રજીસ્ટ્રાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી )
એટીકેટી પરીક્ષામાં વિદ્યાર્થીઓના કારનામાં : હાલમાં જ ઓક્ટોબર માસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી. ઉત્તરવહી ચકાસતી વખતે એક પ્રોફેસરે ઉત્તરની જગ્યાએ વાંચ્યું હતું કે વિદ્યાર્થીએ વિનંતી કરતા લખ્યું કે હું ઘણા સમયથી સતત ફેલ થઈ રહ્યો છું તમે મને પાસ કરી દેજો. માત્ર એટલું જ નહીં છ જેટલા એવા પણ છે જેઓએ ઉત્તરવહીમાં 200 અને 500 રૂપિયાની નોટ મૂકી છે. ઘણા સમયથી સતત આવી જ રીતે ઉત્તરવહીમાં નોટ મૂકવાની ઘટના વધી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તંત્ર પણ હેરાન થઈ ગયું છે.
યુનિવર્સિટી તંત્રની ઠોસ કાર્યવાહી : પરીક્ષામાં ગેરરીતિની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી અથવા તો માઈક્રો ઝેરોક્ષ લઈને આવતા હતાં. માઈક્રો ઝેરોક્ષ તેઓ લેમીનેટ પણ કરાવતા હતાં. જેથી આ ઝેરોક્ષ આવનાર પરીક્ષામાં પણ તેમને કામ લાગી શકે. પરીક્ષામાં ઉત્તરવહીની અંદર રૂપિયા મુકવાની પણ ઘટના આવે સામે આવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર દ્વારા હવે ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે આવી ઘટના ન બને આ માટે યુનિવર્સિટી કડક વલણ લેવા જઈ રહી છે. જોકે તે પહેલાં વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ કરવામાં આવશે.