સુરત : સુરત ફાયર વિભાગ દ્વારા આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી શકાય તે માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ભૂતકાળના કિસ્સાઓને ધ્યાનમાં લઇ ફાયર વિભાગ દ્વારા અગ્નિ શામક તાલીમ આપવા ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલ દ્વારા અગ્નિશમનની તાલીમ લેનારા તાલીમાર્થીઓની સમરી-ડેટા તૈયાર કરાશે. તેનાથી ઝોનવાઈઝ કામગીરી વધુ અસરકારક બનાવવા પ્રયાસ કરાશે. અગ્નિ શમન ટ્રેનિંગ માટે ઓછામાં ઓછા 20 વ્યક્તિઓ હોવા જરૂરી છે.
આ જે પોર્ટલ અમે બનાવી છે તે જાહેર જનતાના સલામતી માટે બનાવવામાં આવી છે. જેમ કે, એપાર્ટમેન્ટ, થિયેટર, મોલ સ્કૂલ, કોલેજો,હોસ્પિટલોમાં જ્યાં ફાયરની સિસ્ટમો લગાવવામાં આવેલી હોય આ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તેની માટે ફાયર વિભાગ દ્વારા સતત લોકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પરંતુ તેની ગણતરી કરવામાં આવતી નથી કે કેટલા લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. તો આની માટે એક ઓનલાઇન સિસ્ટમ બનાવવામાં આવી છે. જેમાં કોઈ બિલ્ડીંગના પ્રમુખ દ્વારા આ વેબસાઈટમાં જઈને અરજી કરી શકે છે અને ત્યારબાદ તેમાં કોઈપણ બે તારીખ આપવામાં આવશે. આ ટ્રેનિંગ માટે ઓછામાં ઓછા 20 વ્યક્તિઓ હોવા જરૂરી છે. જેટલા લોકો વધારે હશે તો તે લોકો માટે લાભદાયક હોઈ શકે છે..બસંત પરીખ(એડિશનલ ફાયર ઓફિસર,સુરત ફાયર વિભાગ)
ફ્રીમાં ટ્રેનિંગ : બસંત પરીખે વધુમાં જણાવ્યું હતું કે અરજી કર્યા બાદ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી તેઓને મેસેજ મોકલવામાં આવશે. કે જે તે તારીખે અમે ત્યાં ટ્રેનિંગ આપવા માટે આવી રહ્યા છીએ. સ્થળ પર ફાયર ટીમ પહોંચશે અને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
ટ્રેનિંગના ફોટોગ્રાફ્સ સહિતની માહિતી અપલોડ થશે : ફાયર ટીમ ફાયર સેફ્ટીના સાધનો ચલાવતાં પણ શીખવશે. તેમના બિલ્ડિંગોમાં લગાવવામાં આવેલ ફાયરના સાધનોનું આગનાં સમય દરમિયાન કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ આપ્યા બાદ અમારે જેથી અધિકારી અહીંના સિસ્ટમ ઉપર ટ્રેનિંગના ફોટોગ્રાફ્સ અને તમામ માહિતી અપલોડ કરશે. આ ટ્રેનિંગ દરમિયાન કેટલા લોકો ત્યાં હાજર હતા તમામ માહિતીઓ અપલોડ કરશે.
તાલીમનો ફાયદો : અગ્નિશમનની તાલીમથી મોટો ફાયદો એ છે કે આગ લાગવાના સમય દરમિયાન ફાયરના સાધનો કઈ રીતે ચલાવવા તેની જાણકારી હશે. આ થકી ફાયર સિસ્ટમમાં ગણતરી જોવા મળશે કે કેટલી સ્કૂલો કોલેજોમાં બિલ્ડીંગ એપાર્ટમેન્ટનાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ સિસ્ટમના કારણે ઘણા લોકોને ફાયદો થશે કે, બિલ્ડીંગના વોચમેન- ગાર્ડ્સ હશે તો તેઓ આગ લાગવાના સમય દરમિયાન ફાયરના સાધનો કઈ રીતે ચલાવવા તેનો ખ્યાલ હશે. કારણ કે જે સમય આગ લાગે છે તે સમયે ફાયર વિભાગની ગાડીઓ પહોંચતા વાર લાગી શકે તો ફાયર વિભાગ પહોંચે તે પહેલા આગ કાબૂ મેળવવી મોટી વાત છે.