સુરત : ખાનગી શાળામાં ફરજ બજાવતા 30 વર્ષીય શિક્ષિકા બુધવારે વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા લેતા હતાં. ત્યારે અચાનક વર્ગખંડમાં ઢળી પડતાં તેમને સારવાર આપવામાં આવે તે પહેલાં મોત થતાં સ્કૂલ સંચાલક મંડળ અને પરિવારજનોને ઘટના પાછળનું સાચું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમને એક ત્રણ વર્ષીય બાળક પણ છે.
ડોક્ટરે મૃત જાહેર કર્યા : ઓલપાડ તાલુકાનાં નરથાણ ગામે આવેલી સંસ્કાર કુંજ શાળામાં બે વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કૃતિકાબેન ભગતભાઈ પરમાર બુધવારે બપોરે શાળામાં ફરજ પર હતાં. શાળામાં બાળકોની મૌખિક પરીક્ષા લેતા હતાં. ત્યારે અચાનક તેઓને કોઈ શારીરિક તકલીફ થતાંની સાથે જ બેભાન થઈ જમીન પર ઢળી પડતાં વર્ગખંડના બાળકોમાં નાસભાગ સાથે અફડાતફડી મચી હતી. શાળામાં ફરજ બજાવતા અન્ય શિક્ષકો અને કર્મચારીઓએ ભેગા થઈને સ્કૂલ વાનમાં સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.
ગણતરીની મિનિટોમાં કૃતિકાબેનનું મોત : પરીક્ષા લેતા અચાનક ઢળી પડવાની સાથે ગણતરીની મિનિટોમાં કૃતિકાબેનનું મોત થવાની ઘટનાનું સાચું કારણ જાણવા તેમના પરિવારજનોએ પોલીસમાં કાર્યવાહી કરાવી હતી. જ્યારે કૃતિકાબેનના પરિવારજનોના કહેવા મુજબ તેઓ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતાં, જેની સારવાર પણ ચાલી રહી હતી.
મૃતક મહિલાના પરિવારોના નિવેદન લેવાયાં : ઓલપાડ પોલીસ મથકના પોલીસ કર્મી નીલેશભાઈએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને અમોને સિવિલ હોસ્પિટલમાંથી વર્ધી મળી હતી. જેને લઇને અમારી ટીમ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. મૃતક મહિલાના પરિવારના નિવેદન લેવામાં આવ્યા છે. કયા કારણસર મહિલાનું મોત થયું એ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ ઓલપાડ પોલીસ મથકે જાણવાજોગ દાખલ કરવામાં આવી છે.