સુરત : ઘણા વિદ્યાર્થીઓ માટે ગણિત પ્રિય વિષય હોતો નથી. પરંતુ સાડા સાત વર્ષના આદ્વિક જૈને જે મોટી વયના લોકો પણ સરવાળો હલ નહીં કરી શકે તેવા સરવાળા હલ કરીને પોતાનું નામ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ શામેલ કર્યું છે. લોકો તેને બૌદ્ધિક કેલ્ક્યુલેટર કહી રહ્યા છે. આટલી નાની ઉંમરમાં આદ્વિક જૈને એક લાઈનમાં આવનાર પાંચ અલગ અલગ આંકડાના 100 સરવાળા હલ કરી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો : ગણિત હજી પણ કેટલાક લોકો માટે માથાનો દુખાવો છે. ગણિતનું જ્યારે પણ નામ આવે ત્યારે લોકો તોબા કરી ઊઠે છે. ત્યારે માત્ર સાડા સાત વર્ષના આદ્વિક જૈને ગણિતને એબેકસના માધ્યમથી સમજી એક રેકોર્ડ બનાવ્યો છે. આદ્વિક જૈને માત્ર ચાર મિનિટમાં એક જ લાઈનમાં આવનાર પાંચ આંકડા જે સો વાર આવે છે તેમના સરવાળાને હલ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવી દીધો છે. આટલી નાની ઉંમરમાં સિદ્ધિ મેળવનાર આદ્વિક જૈનના પરિવાર ખૂબ જ ખુશ છે અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો Surat News : ગણિત વિષયને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર, નૃત્ય સંગીત સાથે શીખો ભણતર
કઠિન વિષયમાં રેકોર્ડ : આદ્વિક જૈને આ સરવાળો એપ્લિકેશનમાં હલ કર્યો છે. કમ્પ્યુટર પર એપ્લિકેશન ઓપન કરી સ્ક્રીન પર એક બાદ એક આવનાર પાંચ આંકડાઓ કે જે 100 વખત આવે છે તેના સરવાળાને માત્ર 4 મિનિટમાં હલ કરી દીધા છે. જે એક રેકોર્ડ તરીકે પ્રતિ સ્થાપિત થયો છે. આદ્વિક જૈન શહેરના વેસુ વિસ્તારમાં રહે છે અને માતા બેંકમાં નોકરી કરે છે. જ્યારે પિતાની મીઠાઈની દુકાન છે. આટલી નાની ઉંમરમાં જ્યારે અન્ય બાળકોને રમતમાં વધારે રસ હોય છે તે ઉંમરમાં આદ્વિક જૈને ગણિત જેવા કઠિન વિષયમાં રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
માત્ર ચાર મિનિટમાં આ સરવાળો હલ : આદ્વિક જૈનની માતા અનુશિકા જૈને જણાવ્યું હતું કે, અગાઉથી જ તેને ગણિતમાં રસ છે. જેથી અમે તેને એબેકસ મેથ્સ ક્લાસીસ જોઈન કરાવ્યા હતા. રોજે તે પાંચ કલાક સુધી એબેકેસ મેથ્સમાં પ્રેક્ટિસ કરે છે. તેને રેકોર્ડ બનાવ્યો હોવાથી પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. સાડા સાત વર્ષનો આટલી નાની ઉંમરમાં આ રેકોર્ડ બનાવવો એ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ પ્રકારના રેકોર્ડ માટે પાંચ મિનિટનો સમય લાગે છે. જોકે આદ્વિકે માત્ર ચાર મિનિટમાં આ સરવાળો હલ કરીને રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં એવા માસ્ટર છે કે ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે
રેકોર્ડ પાંચ મિનિટની અંદર બનાવવાનો હતો : આદ્વિક જૈને જણાવ્યું હતું કે, હું ધોરણ ત્રણમાં ભણું છું અને ક્લાસીસમાં જાઉં છું. થોડાક દિવસ પહેલા મેં મેન્ટલ કેલ્ક્યુલેશનનો રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ પાંચ મિનિટની અંદર બનાવવાનો હતો. પરંતુ મેં ચાર જ મિનિટમાં આ રેકોર્ડ બનાવી લીધો. મારા સરે મારું પરફોર્મન્સ જોઈને મને રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી. અગાઉ એકથી બે કલાક પ્રેક્ટિસ કરતો હતો. પરંતુ જ્યારે રજાઓ શરૂ થઈ ત્યારે ત્રણથી પાંચ કલાક સુધી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી હતી.