સુરત : કામરેજ તાલુકાના પરબ ગામે એક આશાસ્પદ યુવાનનું અકાળે મોત થયું હતું. મૂળ ઝારખંડનો 20 વર્ષીય યુવક શ્યામલાલ સુદામ તેંબ્રોમ જીએમ ટેક્સટાઇલ ખાતે આશિષ પાનસેરીયાની બાંધકામ સાઇટ ઉપર કામ કરે છે. જે રાત્રે ઉંઘી ગયા બાદ ફરી જાગ્યો જ નહોતો. યુવક સવારે પરત નહીં ઉઠતા તપાસમાં તેનું મોત થયાનું જણાયું હતું.
યુવક ચીરનિંદ્રામાં પોઢ્યો : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ મૂળ ઝારખંડના 20 વર્ષીય યુવક શ્યામલાલ સુદામ તેંબ્રોમનું મોત થયું હોવાની માહિતી પોલીસને મળી હતી. ઘટના અંગે પાગરી લૌકન બોદરા દ્વારા કામરેજ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું ક્યાં કારણોસર મોત થયું એ હજુ જાણવા મળ્યું નથી. હાલમાં આ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવકનું મોત થયાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ક્યાં કારણોસર મોત થયું એ હજુ જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે.-- પૃથ્વીભાઈ (બીટ જમાદાર, પરબ ગામ)
અપમૃત્યુના બનાવ : અન્ય બનાવની વાત કરીએ થોડા દિવસ અગાઉ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેની સત્તાવાર માહિતી મુજબ મુન્ના બિપ્રચરણ દલાઇ સાયણ વિસ્તારમાં રિક્ષામાં લોકોને ટીફિન પહોંચાડી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. મુન્ના ગામે રિક્ષામાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તા ઉપર મારુતિ પાર્ક સોસાયટી પાસે એક બાઇકચાલક સ્લિપ થઈ ગયો હતો. મુન્ના દલાઈ બાઇકચાલક બચાવવા માટે પોતાની રીક્ષામાંથી ઉતરી તેની પાસે ગયો હતો. ત્યારે મુન્ના દલાઇને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાજર મોટરસાયકલ ચાલકે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. મુન્ના દલાઇને સાયણ ખાતે આવેલા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મુન્નાને તપાસી મૃત જાહેર કર્યો હતો.
આશાસ્પદ યુવકનું મોત : આ બનાવની જાણ પ્રમોદ પ્રધાને ઓલપાડ પોલીસને કરી હતી. ઓલપાડ પોલીસે બનાવના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી. 41 વર્ષીય મુન્ના દલાઈના અકાળે મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. સમગ્ર કેસની તપાસ કરનાર બીટ જમાદાર ગણેશભાઈએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નિપજ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહનો કબજો પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.