સુરતઃ માંડવી તાલુકાના અરેઠ ગામ નજીક સ્ટોન ક્વોરીઓ આવેલ છે. આ સ્ટોન ક્વોરીમાં અવારનવાર ગેરકાયદેસર બ્લાસ્ટિંગ થતા રહે છે. જેના પરિણામે અરેઠ ગામના ઘરો, મંદિર અને અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. તેમજ આ સ્ટોન ક્વોરીના લીધે પાણીની પણ વિકટ સમસ્યા સર્જાય છે. આ ગેરકાયદેસર બ્લાસ્ટિંગના વિરોધમાં અરેઠ ગામના લોકોએ સજ્જડ બંધ પાળ્યો હતો.
સ્ટોન ક્વોરીથી નુકસાનઃ અરેઠ ગામની આસપાસ આવેલ સ્ટોન ક્વોરીમાં જમીનની સપાટીથી 100થી 300 ફિટ ઊંડે માઈનિંગ થઈ રહ્યું છે. જેના માટે ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરવામાં છે. જેના લીધે ગામના ઘરો, મંદિરો અને બીજી ઈમારતોમાં તિરાડો પડી રહી છે. સ્થાવર મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. ગ્રામ્યજનો નવું પાકું મકાન બાંધતા અચકાઈ રહ્યા છે. આ બ્લાસ્ટિંગને પરિણામે ગ્રામીણો દરરોજ ભૂકંપના આંચકા સહન કરતા હોય તેવી પરિસ્થિતિમાં જીવે છે. સ્ટોન ક્વોરીના લીધે ભૂગર્ભ જળના જથ્થા પર પણ વિપરિત અસર થઈ રહી છે. સ્ટોન કવોરીમાંથી જે પાવડર ઉડીને વાતાવરણમાં ભળે છે તેનાથી ખેતરમાં ઊભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાના વિરોધમાં અરેઠ ગામે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
સ્વયંભૂ સજ્જડ બંધઃ આજે અરેઠ ગ્રામજનોએ આખું ગામ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. ગ્રામ્યજનો દ્વારા તંત્રની કામગીરી સામે પણ ભારે રોષ ઠલવાયો હતો. વર્ષોથી ફરિયાદ કરવા છતાં સ્ટોન ક્વોરીના સંચાલકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં આખરે હવે અરેઠ ગામ લડી લેવાના મૂડમાં છે. આજે આખા ગામે સજ્જડ બંધ પાળ્યો હતો. આગામી દિવસોમાં આવેદન પત્ર પાઠવાશે અને તેમ છતાં સમસ્યા ન ઉકલે તો રસ્તા રોકો જેવા આંદોલન કરવાની ચીમકી ગ્રામ્યજનોએ ઉચ્ચારી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અમારા ગામમાં ગેરકાયદેસર સ્ટોન ક્વોરીઓ ધમધમી રહી છે. જે સંદર્ભે અમારા ગામમાં અમારું રહેવું મુશ્કેલ બની ગયું છે. મકાનો, મંદિરોની દિવાલોમાં તિરાડો પડી રહી છે. રોજ ભૂંકપના આચંકા જેવો અનુભવ થાય છે. જેના વિરોધમાં અરેઠ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જો આ સમસ્યાનો સત્વરે ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં આવેદન પત્ર પાઠવાશે અને રસ્તા રોકો જેવા આંદોલનો પણ કરીશું...હિનાબેન(સરપંચ, અરેઠ, સુરત)