સુરતની ભીમરાડ ભૂમિ ઐતિહાસિક ભૂમી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે 1930માં મીઠા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી ભીમરાડ ખાતે પણ આવ્યા હતા અને અહીં રોકાણ કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને આજે 89 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. જ્યાં ભીમરાડની પાવન ભૂમિ પર ગાંધીજીનું સ્મારક પણ ગામવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.
આજ રોજ જ્યારે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ છે, ત્યારે આ ઐતિહાસિક ભૂમિ પર તેની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે ગાંધીના પ્રપૌત્રવધુ શિવાલક્ષ્મી ગાંધીના હસ્તે અહીં આવેલ ગાંધી સ્મારકને પુષ્પગુછ અર્પણ કર્યું હતુ. ગાંધી જયંતિ નિમિતે ભીમરાડની પાવન ભૂમિ પર ગામવાસીઓ દ્રારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર લોકોએ સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથ પણ લીધા હતા. રાષ્ટ્રગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના પ્રપૌત્રવધુ શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા બે વર્ષથી અહી સ્થાયી થયા છે. જેમની સારસંભાળ ગામના લોકો કરી રહ્યા છે. ગાંધી જયંતી નિમિતે શિવા લક્ષ્મી ગાંધીએ બાપુની વિચારધારા અને તેમના કાર્યો અંગે પ્રતિક્રિયા આપી હતી.