સુરત : ગુજરાતમાં પ્રથમ વાર સંકટમોચન હનુમાન દાદાનો વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાહ ઉત્સવ સુરત શહેરમાં યોજાયો હતો. આમ તો મોટાભાગે લોકો જાણે છે કે હનુમાન દાદા બ્રહ્મચર્યનું પાલન કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે પૌરાણિક કથાઓ અનુસાર તેમના લગ્ન સુવર્ચલા સાથે થયા હતા અને ગુજરાતમાં એકમાત્ર મંદિર સુરતમાં છે જ્યાં હનુમાન દાદા પોતાની પત્ની સાથે બિરાજમાન છે. જેના પ્રાંગણમાં વિવાહ ઉત્સવનું આયોજન કરાયું હતું.
વિવાહ ઉત્સવ : ભજન, કીર્તન અને હવન સાથે આજે સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરની અંદર હનુમાન દાદાના વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં હનુમાન દાદા તેમની ધર્મપત્ની સુર્વચલા સાથે બિરાજમાન છે. ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાન દાદા પત્ની સાથે પૂજાય છે. આમ તો દરરોજ આ મંદિરમાં પૂજા અર્ચના થતી હોય છે, પરંતુ પ્રથમવાર મંદિરમાં વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુર્વચલાજીની મૂર્તિને શૃંગાર કરવામાં આવ્યા : વિવાહ ઉત્સવને લઈ મંદિરને સજાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ વિવાહ ઉત્સવ માટે હિન્દુ ધર્મ સહિત જૈન ધર્મના સંતો હાજર રહ્યા હતા. હનુમાન દાદાની પ્રતિમા તેમજ સુર્વચલાજીની મૂર્તિને શૃંગાર કરવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી ભારતમુનિ મહારાજે જણાવ્યું હતું કે, અક્ષય તૃતીયાના પર્વ પર આજે મંદિરની અંદર હનુમાન દાદા અને સુર્વચલાજીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષય તૃતીયા પર્વનો અર્થ છે કે ક્યારેય પણ નષ્ટ થતું નથી. આ પર્વ પર અમે આ વિવાહ ઉત્સવનું આયોજન કર્યું હતું અને આજથી જ શાલીગ્રામ અને તુલસી વિવાહનો પ્રારંભ થયો છે અને 30મી એપ્રિલ સુધી ચાલશે.
આ પણ વાંચો : Unique Anniversary: સંતાનોએ કરાવ્યા માં બાપના વિવાહ, 70 વર્ષે સાત ફેરા ફર્યા
સુવર્ચલા પરમ તપસ્વી હતા : ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ ભારતમાં આ એકમાત્ર મંદિર છે કે જ્યાં હનુમાન દાદા પત્ની સુવર્ચલા સાથે બિરાજમાન છે. પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા અને તેમણે સૂર્ય ભગવાન પાસેથી નવ જ્ઞાન પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું હતું. સૂર્યદેવે હનુમાનજીને નવ મુખ્ય વિદ્યાઓમાંથી પાંચ વિદ્યાઓ શીખવી હતી, પરંતુ બાકીની 4 વિદ્યાઓ શીખવવામાં અવરોધ ઊભો થયો હતો. હનુમાનજીએ લગ્ન નથી કર્યા પરંતુ એ ઉપદેશો શીખવા માટે લગ્ન કરવા જરૂરી હતા. ત્યારે હનુમાનજીના ગુરુ સૂર્યદેવે તેમને લગ્ન કરવાનું કહ્યું. પોતાના ગુરૂની અનુમતિથી હનુમાને લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો : Surat Marriage Function: 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો, ભવ્ય સમારોહ સંપન્ન
હનુમાનજી માટે છોકરી : હનુમાનજી સાથે લગ્ન માટે કઈ છોકરી પસંદ કરવી જોઈએ, જ્યારે આ સમસ્યા સામે આવી. ત્યારબાદ સૂર્યદેવ હનુમાનજીને તેમની પરમ અદભૂત પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જેના પછી હનુમાનજી અને સુવર્ચલાના લગ્ન થયા. સુવર્ચલા પરમ તપસ્વી હતા. લગ્ન પછી સુવર્ચલા હંમેશ માટે તપસ્યામાં મગ્ન થઈ ગઈ, જ્યારે હનુમાનજીએ પણ બાકીની ચાર વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. આ રીતે લગ્ન કર્યા પછી પણ હનુમાનજીનું બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું ન હતું. આજે પણ તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજીનું એક મંદિર છે જ્યાં હનુમાનજી તેમની પત્ની સુવર્ચલા સાથે ગૃહસ્થ બનીને બેઠા છે. દક્ષિણ ભારત બાદ એકમાત્ર મંદિર પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના સુરત શહેરમાં છે કે જ્યાં હનુમાનજી પત્ની સાથે વિરાજમાન છે.