સુરત : શહેરના લસકાણા વિસ્તાર ખાતે આવેલા શિવ ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટનાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે કારખાનામાં આગ લાગી હતી ત્યારે કારખાનાની અંદર કામદારો કામ કરી રહ્યા હતાં અને આ ઘટનામાં તેઓ ફસાઈ ગયા હતાં. આગની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી અને ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને છ જેટલા કામદારને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતાં.
વહેલી સવારે આગ : લસકાણા વિસ્તાર ખાતે પ્લોટ નંબર 176 થી 180 આવેલા શિવ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે 4.15 વાગે અચાનક જ આગ લાગી ગઈ હતી. લુમ્સ કારખાના ના ચોથા માળે લાગેલી આગના કારણે કારખાનાની અંદર કામ કરી રહેલા શ્રમિકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ભીષણ આગ વચ્ચે છ જેટલા કારીગરો અંદર ફસાઈ ગયા હતાં. આગની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી. ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ સુરત શહેર અને જિલ્લામાંથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
300 ટન યાર્નનો જથ્થો બળી ગયો: ફાયર વિભાગના અધિકારી વસંત પરીખે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની નોંધ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
આગ ઓલવવાની કામગીરીમાં બે સુરતના સરથાણા અને વરાછાની ત્રણ ગાડીઓ હતી. જ્યારે કામરેજમાંથી બે અને કાપોદ્રાની બે ગાડીઓ પહોંચીને આગ ઓલવવા માટેની કામગીરી હાથ ધરી હતી. એટલું જ નહીં જે છ કારીગરો અંદર ફસાયા હતાં તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. લુમ્સના કારખાનામાં લાગેલી આગના કારણે 3 વાઈન મશીન સહિત 300 ટન યાર્નનો જથ્થો બળી ગયો હતો...વસંત પરીખ (સુરત ફાયર વિભાગ અધિકારી)
હીરા બોઇલરમાં પણ આગ લાગી : લસકાણા ઉપરાંત સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પણ આવેલ રેમ્બો એપાર્ટમેન્ટના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. રેમ્બો એપાર્ટમેન્ટમાં હીરાના કારખાનામાં હીરાના બોઇલરમાં આગ લાગી હતી. એ સમયે હીરાના કારખાનામાં કામ કરી રહેલા 8 જેટલા રત્ન કલાકારો અંદર ફસાઈ ગયા હતાં. આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક રેમ્બો એપાર્ટમેન્ટ પહોંચી હતી અને ગણતરીના મિનટો આગ પર કાબૂ મેળવી આઠ રત્ન કલાકારોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં.