સુરતઃ સમગ્ર દેશમાં અનલોક-1નો અમલ કરવામાં આવ્યો છે. જેમાં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે, કર્ફ્યૂનો સમય વધારી રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દુકાન-ધંધાનો સમય વધારીને સાંજે 7 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. જેથી નાના વેપારીઓમાં ખુશી છવાઈ છે. સમગ્ર રાજ્યમાં નિયમોને આધીન એસ.ટી બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે, સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય દિવસો જેવી ચહલ-પહલ જોવા મળી છે.
ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ગત 31 મેના રોજ શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા હતા. દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા હતા. દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો દર વર્ષ કરતા 200થી 300 રૂપિયા વધુ ભાવો જાહેર કર્યા હતા, જેથી શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તો બીજું બાજુ ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ડાંગરનો મબલક પાક તૈયાર છે. પરંતુ ટેકાના ભાવો ન મળતા તેઓ મુસીબતમાં મૂકાયા હતા.
હાલ તો અનલોક-1માં કોરોનાના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સુરત જિલ્લા વહીવટી તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે, આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર સતત પોતાની કામગીરી કરી રહ્યું છે.