માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આયોજિત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ સંમેલનમાં માંગરોળ સહિત સમગ્ર જિલ્લાના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ જિલ્લાના ધારાસભ્યો, નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સરપંચોની વિશેષ પ્રમાણમાં હાજરી જોવા મળી હતી.
ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ઈશ્વરભાઈ પરમાર વગેરે અગ્રણીઓ આગેવાનો ઝંખવાવ ખાતે આવી પહોંચતા જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, રાકેશભાઈ સોલંકી તેમજ માંગરોળ તાલુકા ભાજપના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
ભારત દેશમાં 80 ટકા વિસ્તારમાં ભાજપ પક્ષની સરકારનું શાસન છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 26 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને સુરત જિલ્લા ભાજપ સંગઠન સહીત વિવિધ આગેવાનોના સમૂહે સન્માન કરી ગાંધીજીની પ્રતિમા તીરકામઠું અને તલવાર સ્મૃતિભેટ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રહિતનો વરેલો પક્ષ છે. કાશ્મીરમાં 370 કલમ દૂર કરી ભારતને એક કરવાનું કામ કર્યું છે. ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં ઈચ્છા શક્તિના અભાવે કોઈ કામ થયા નથી. તેમજ છેવાડાના માણસનું કલ્યાણ થાય તેવા કામ સરકાર કરી રહી છે. ઉપરોક્ત સ્નેહમિલન કાર્યક્રમમાં સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠક, રીતેશભાઈ વસાવા, ધારાસભ્યો મોહનભાઇ ઢોળીયા, મુકેશ પટેલ, દીપકભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા.