સુરત : સુરત શહેરમાં માનસિક ત્રાસના કારણે પરિણીતાઓ આપઘાત કરી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તાર પાસે આવેલ મધુરમ સર્કલ પાસે શ્યામ વિલા રેસીડેન્સીમાં 26 વર્ષીય પરણીતાએ પોતાના ઘરમાં જ કોઈ કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આત્મહત્યાનો ગુનો નોંધાયો : શહેરના ડીંડોલી વિસ્તાર પાસે આવેલ મધુરમ સર્કલ પાસે શ્યામ વિલા રેસીડેન્સીમાં રહેતી 26 વર્ષીય નેહા વિનોદ ભોરસે જેઓએ ગઈકાલે પોતાના જ ઘરમાં કોઈ કારણોસર પોતાના મકાનના ઉપરના રૂમમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.જોકે ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી નેહાની બોડીને નીચે ઉતારી નવી સિવિલ હોસ્પિટલ પોસમોટમ માટે મોકલી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો આધુનિક યુગમાં દહેજે ફરી એક વાર લીધો મહિલાનો ભોગ
મૃતક પરિણીતાને ચાર વર્ષનો દીકરો : આ મામલે તપાસ કરતા અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે.ગઢવી જેઓ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે તેમણે જણાવ્યું કે,આ ઘટના 14 તારીખે સવારે 11 વાગે બની હતી. આ ઘટનામાં મૃતક નેહા વિનોદ ભોરસે જેઓ 26 વર્ષના હતા. તેમને એક દીકરો પણ છે. જે 4 વર્ષનો છે. આ ઘટનામાં મૃતક નેહાના પરિવાર દ્વારા સાસરી પક્ષ વિરુદ્ધ માનસિક ત્રાસ અને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હોય તેથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોય જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.પતિ વિનોદ બોરસે, સસરા ભગવાનભાઈ બોરસે, સાસુ ચંગાબેન બોરસે, દિપાલીબેન પાટીલ જેઓ વિનોદના બહેન છે અને મુંબઈમાં કલ્યાણ ખાતે રહે છે. એમ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
પિયર પક્ષ દ્વારા સાસરીયા વિરુદ્ધ દહેજને લઈને માનસિક ત્રાસની ફરિયાદ : તેમણે વધુમાં જણાવ્યુંકે , મૃતક નેહા વિનોદ ભોરસે જેમના 14 માર્ચ 2017માં લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ સાસરીયા પક્ષ દ્વારા નેહાને વારંવાર દહેજ માટે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેને લઇને પરિવારે સાસરીયા પક્ષ જોડે સમજાવટ પણ કરી હતી. ત્યારબાદ પણ લગ્નમાં 15 તોલા સોનું આપવાના બદલે 10 તોલા સોનું આપવાને લઈને નેહાને આ બાબતે વારંવાર ટકોર કરતા હતા. આ વાતની નેહાએ તેના પરિવારને જાણ કરી હતી. પતિ વિનોદ તેની બહેનની વાતોમાં આવી નેહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ રીતની ફરિયાદ નેહાના પરિવાર દ્વારા લખાવવામાં આવી છે. હાલ અમે આ મામલે દહેજ પ્રતિ બંધકની કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મહત્વની બાબત એ છે કે, નેહાએ પોતાના લગ્નના વર્ષગાંઠના દિવસે જ જીવન ટૂંકાવ્યું છે.
આ પણ વાંચો વિકાસની પરિભાષા કહેવાતા ગુજરાતમાં 3 વર્ષમાં દહેજથી કંટાળીને 184 યુવતિઓએ આત્મહત્યા કરી
હોબાળો થયો : વધુમાં એ.કે.ગઢવીએ જણાવ્યુંકે અમે જયારે સાસરીયા પક્ષની ધરપકડ કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં તેમના દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. કારણકે ઘટના બાદ સાસરિયા અને પિયર પક્ષ બંનેમાં હોબાળો થયો હતો.એમાં બંને પક્ષો દ્વારા અમારી સાથે પણ હોબાળો કરવામાં આવ્યો હતો. અમે બંને પક્ષોને સમજાવી સાસરીયા પક્ષના ચાર લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા. પરંતુ અહીં ચાર પાંચ કલાક રાખ્યા બાદ તેઓને વકીલ દ્વારા જામીન કરાવી દેવામાં આવ્યા હતા. હાલ અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.