સુરત : ઓલપાડના ઉમરા ગામે ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રણ ઇસમોને સુરત ગ્રામ્ય એલસીબીએ દબોચી લીધા હતા અને તેઓ પાસેથી ચોરી કરેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. ગુનામાં ટીપ આપનાર બીજું કોઈ નહી, પણ ગામનો જ પ્રવીણ વસાણી નામનો ઇસમ નીકળ્યો હતો. આમ ચોરીના આ મામલામાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ ઘડાયો હતો.
ઘર માલિક ભાઇના ઘેર સાફસફાઇમાં ગયાં હતાં : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા ગામે ગણેશ ચતુર્થીના તહેવારને લઈને શિવાંજલિ રો હાઉસના મકાન નબર 111માં રહેતા કેતન ભાઈનો પરિવાર નાના ભાઈના ઘરે ગણેશ સ્થાપના કરવાની હોવાથી નાના ભાઈ ને ત્યાં સાફસફાઈ કરવા માટે ગયો હતો. ત્યારે એક ચોર ઈસમે આ તકનો લાભ લીધો હતો
પકડવાની કોશિશ નાકામ રહી : ચોર ઘરમાં પ્રવેશી ઘરની તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી ઘરની બહાર નીકળી રહ્યો હતો. તે દરમિયાન ઘરમાલિક કેતનભાઈ આવી ગયા હતાં. તેઓએ ચોરને પકડવાની કોશિશ કરી હતી પણ ચોર હાથ તાળી આપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આખરે પરિવારે સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવી ફૂટેજ કામ લાગ્યાં : ચોરીના બનાવને લઈને ઓલપાડ પોલીસની સાથે સાથે એલસીબી પણ તપાસમાં કામે લાગી ગઈ હતી. પોલીસ દ્વારા આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. તે દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં અજાણ્યો ઇસમ કેદ થઈ ગયો હતો. આ ઇસમના કોલર સુધી પહોંચવા પોલીસે બાતમીદારોને કામે લગાડી શોધખોળ હાથ ધરી હતી.
ઘર કા ભેદી લંકા ઢાયે : તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ફરિયાદી કેતનભાઈના ગામમાં જ રહેતો પ્રવીણ વસાણી અને સુરત શહેરમાં રહેતો સાગર ચંદુ પરમારે ઉમેશ બગડીયા નામના રીઢા તસ્કરને ટીપ આપી હતી અને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તેમજ હાલ ત્રણેય ઈસમો ચોરી કરેલ સોના ચાંદીના દાગીના વેચવાની ફિરાકમાં છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ત્રણેય ઇસમોને રંગોળી ચોકડી નજીકથી દબોચી લીધા હતાં.પોલીસે આ ચોર ટોળકી પાસેથી ચોરી કરેલ સોનાચાંદીના દાગીના, રોકડ જપ્ત કર્યા હતા અને તસ્કરો પાસે રહેલ ત્રણ મોબાઈલ અને એક મોપેડ મળી ટોટલ 1.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ ત્રણ પૈકી બે રીઢા ગુનેગાર : આ ગુનામાં ઝડપાયેલા તમામ ઇસમોનો ભૂતકાળ તપાસ કરવામાં આવતા ટીપ આપનાર સાગર ચંદુ પરમાર વિરૂદ્ધ સરથાણા પોલીસ મથકે 2 ગુના તેમજ ઉમેશ બગડીયા વિરૂદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે એક ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. સુરત ગ્રામ્ય DYSP આઇ. જે. પટેલ એ જણાવ્યું હતું કે તસ્કરો પાસેથી ચોરી કરેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. એલસીબી એ આરોપીઓ કબજો સાયણ પોલીસને સોંપ્યો છે. સાયણ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.