સુરત: આમ તો કિમતી વસ્તુઓની ચોરી થયાના વાવડ સામે આવે છે. જેમાં ક્યારેક રોકડ તો ક્યારેક સોના ચાંદી જેવી ચીજ ચોરાઈ જાય છે. પણ સમય બદલતા જાણે ચોર ના પણ ફ્લેવર્સ બદલતા હોય એવી ઘટના સુરતમાંથી સામે એવી છે. હાથમાં આવે એ ઉપાડી લેવાનું પછી જે આવે તે. હા આવો જ બનાવ સુરતમાં બન્યો છે. જેમાં શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સ્નેહ મિલન સોસાયટી ખાતે ઉભેલી ટેમ્પોની ચોરી કરવા માટે તસ્કરોએ પ્રયાસ કર્યો હતો. અનેક પ્રયાસ બાદ પણ ટેમ્પો શરૂ ન થતાં તસ્કરો એ ટેમ્પોને રસ્તા પર મૂકી તેની ચાર બેટરી ચોરી નાસી ગયા હતા.
આ પણ વાંચો Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા
બેટરી ચોરીને ફરાર:આ સમગ્ર ઘટના સ્નેહમિલન સોસાયટી નજીક બની હતી. રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તસ્કરો ત્યાં આવે છે. એક ઈલેક્ટ્રીક ટેમ્પોની ચોરી કરવાનો પ્રયાસ પણ કરે છે. ટેમ્પોને ધક્કો પણ મારે છે. પરંતુ તેઓ ટેમ્પો ચોરી કરવામાં સફળ થતા નથી. ટેમ્પોની ચોરી કરવા માટે તેઓ ટેમ્પાને ધક્કો મારી થોડો દૂર સુધી લઈ પણ જાય છે. ત્યારબાદ ટેમ્પો શરૂ કરવાનો પ્રયાસ પણ કરે છે. જોકે ટેમ્પો શરૂ ન થતા તસ્કરો ટેમ્પાને ત્યાં જ મૂકીને ટેમ્પાની ચાર બેટરી ચોરીને ફરાર થઈ જાય છે.
ટેમ્પો મળી આવ્યો: આ સમગ્ર મામલે કાપોદ્રા પીએસઓ પાસેથી મળતી માહિતી મુજબ અત્યારે ટેમ્પાના માલિક ધનજીભાઈ ધાનાણી તરફથી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તપાસ કરી ફરિયાદ દાખલ કરશે. ફરિયાદીના જણાવ્યા મુજબ ટેમ્પો પાર્કિંગની જગ્યામાં નહીં મળતા તેઓ ટેમ્પો શોધવા લાગ્યા હતા. પાર્કિંગની જગ્યાથી થોડે દૂર ટેમ્પો મળી આવ્યો હતો. ટેમ્પો કઈ રીતે પાર્કિંગની જગ્યાથી દૂર ગયો આ અંગેની તપાસ કરવા ટેમ્પો માલિકે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ટેમ્પો માલીક ધનજી ધાનાણીએ આરોપી ઇલેક્ટ્રીકેટ ટેમ્પોમાંથી ચાર ઈલેક્ટ્રીક બેટરી લઈને ફરાર થઈ ગયા છે. જે અંગે તેઓએ અરજીમાં ઉલ્લેખ કર્યું છે.