સુરત : સુરત શહેરના ઉત્રાણ વિસ્તાર ખાતે આવેલા સુમન સહકાર સુમન સંગાથમાં અવારનવાર ફાયર સેફ્ટીના સાધનો ચોરી થઈ રહ્યા હતાં. જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ફાયર સેફટીના સાધન જેમાં પિત્તળની ગન, વાલ સહિતના વસ્તુઓ ચોરી થઈ રહ્યા છે. ફરિયાદ થયા બાદ આખરે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આવાસના દસ બિલ્ડિંગમાંથી ફાયર સેફટીના તમામ સાધનો ચોરી થયા હતાં. આશરે અઢી લાખ રૂપિયાના ફાયર સેફટીના સાધનો ચોરી થતા પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.
આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો: ઉત્રાણ પોલીસ મથકના ઇન્સ્પેકટર એ. ડી. મહંતે જણાવ્યુ હતુ કે સ્થાનિકો દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રત્નકલાકાર છે. આરોપીએ પિત્તળના 62 ફાયર ગન અને પિત્તળના 81 વૉલ મળી કુલ 1.39 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કરતા આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે...એ. ડી. મહંત ( ઇન્સ્પેકટર, ઉત્રાણ પોલીસ મથક )
પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હતો : અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી નિતીન રાદડિયા રત્ન કલાકાર છે અને તે હીરા ઘસવાનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. જોકે હીરા ઉદ્યોગમાં મંદી આવ્યા બાદ તે સાડીમાં સ્ટોન લગાવીને દિવસો કાઢી રહ્યો હતો. પરંતુ દેવું વધી જતા તેને પરિવારના લોકોએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને ખર્ચ કાઢવા માટે તેને ચોરી કરવાનું નિર્ણય લીધો હતો. આ વાત અંગેની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી છે. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી આ ફાયર સેફટીના સાધનોનો શું કરતો હતો તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.