સુરત :સુરત શહેરમાં ધોરણ 12ના વિદ્યાર્થી ઓનલાઈન હની ટ્રેપની ગેંગમાં એવો ફસાયો કે તેને આપઘાત કરવો પડ્યો હતો. ઓનલાઇન હનીટ્રેપનો શિકાર બનનાર ધોરણ 12 ના વિદ્યાર્થીએ ઘરની અગાસી પર જઈ ત્યાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીના અંતિમ વિધિ બાદ જ્યારે પરિવારજનોએ તેનો મોબાઇલ જોયો ત્યારે તેના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું હતું.
પરિવારને જાણ થઇ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા પરિવારે પોતાનો 18 વર્ષીય પુત્ર ગુમાવ્યો છે. ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે દુઃખોનો આભ ફાટી પડ્યું હતું. ભારે મનથી પુત્રનો અંતિમ સંસ્કાર કર્યા પછી જ્યારે પરિવારે પુત્ર ૃનો મોબાઇલ ફોન જોયો ત્યારે ખબર પડી કે તે ઓનલાઈન હની ટ્રેપનો શિકાર થઈ ગયો હતો જેના કારણે તેને આપઘાત કરી લીધો હતો. 22 દિવસ પહેલા વિદ્યાર્થીએ ઘરની આગાસીમાં જઈ નીચે કૂદી આપઘાત કરી લીધો હતો. ત્યારે પરિવારને જાણ ન હતી કે તેણેે આ પગલું શા માટે ભર્યું છે.
આ પણ વાંચો Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા
9600 ટ્રાન્સફર કર્યા હતાં પરિવારજનો જ્યારે તેના અંતિમ વિધિ બાદ પરત આવ્યાં ત્યારે તેના મોબાઇલમાં અજાણ્યા નંબરથી મોકલવામાં આવેલા ફોટો અને વિડીયો જોઈ આઘાતમાં આવી ગયા હતાં. કારણકે આ ફોટાના માધ્યમથી અજાણ્યા લોકો તેને બ્લેકમેલ કરી રહ્યા હતાં. પીડિત વિદ્યાર્થીએ આપઘાતના ત્રણ દિવસ પહેલા આ લોકોને ઓનલાઈન 9600 રુપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. ઓનલાઇન હની ટ્રેપ કરતી ગેંગે આ વિદ્યાર્થીના વિડીયો અને મેસેજ લઈ વારંવાર તેને બ્લેકમેલ કરી રહ્યાં હતાં.
કલકત્તા, ઝારખંડ અને બિહારના નંબરો ઓનલાઇન હની ટ્રેપ કરનાર ગેંગ સામે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.આસુરાએ જણાવ્યું હતું કે જ્યારે પરિવારે મૃતક વિદ્યાર્થીનો મોબાઇલ જોયો ત્યારે તેઓ ચોકી ઉઠ્યા હતા. તેને વિડીયો અને ફોટા મોકલીને બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને જો રૂપિયા નહીં આપે તો વિડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીએ ટુકડે ટુકડે 9600 પણ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે આ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરાતા મૃતક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. જે નંબરથી તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો તે કલકત્તા, ઝારખંડ અને બિહારના નંબરો છે.
3 માર્ચે આપઘાત કર્યો મૃતક વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે ત્રણ તારીખે ચોથા માળેથી મારા પુત્ર એ ઘરની અગાસી પરથી નીચે કૂદી આપઘાત કરી લીધો હતો. તેને અમે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં ત્યાં તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અમને શરૂઆતમાં ખબર નહોતી કે તેણે શા માટે આપઘાત કરી લીધો છે. જ્યારે તેની અંતિમ વિધિ કરીને પરિવારના સભ્યો ઘરે આવ્યા અને મોબાઈલ જોયું ત્યારે ખબર પડી કે છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા લોકો તેને તેના અશ્લીલ ફોટા અને વિડીયો મોકલીને બ્લેકમેલ કરી રહ્યા છે. મારા પુત્રએ બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો છે, હવે અમને ન્યાય જોઈએ.