સુરતઃ ગુજરાતના અલગ અલગ શહેરોમાં હાઈફાઈ સોસાયટી અને કારખાનાઓમાં 100થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આ ગેંગ બંધ મકાન અને કારખાનાઓને ટારગેટ કરતી હતી. આ ગેંગમાં રીઢા આરોપીઓનો સમાવેશ થાય છે. આ ગેંગને ઝડપી લેવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતમાં દિવાળી વેકેશનમાં બંધ રહેતા હીરાના કારખાનાઓને આ ગેંગ નિશાન બનાવતી હતી. તારીખ 21, 22 ઓક્ટોબરના રોજ કાકોદરા પોલીસ સ્ટેશનમાં આવા જ એક હીરાના કારખાનામાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આવો જ બીજો બનાવ ચોક બજારમાં નોંધાયો હતો. સુરત પોલીસ કમિશનર તરફથી સુરત ક્રાઈમ બ્રાન્ચને ખાસ આ ટાસ્ક સોંપવામાં આવ્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પઢીયાર અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગેંગનો મુખ્ય આરોપી આનંદ ઠાકોર વરાછાના ખાંડબજારના ગરનાળા પાસે હાજર છે. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી. આ મુખ્ય આરોપી કામરેજના વેડનગરીનો રહેવાસી છે. પોલીસે આ વિસ્તારના અન્ય બે આરોપી હસમુખ ઠાકોર અને અશોક ઉર્ફે અનિલ ઠાકોરને ઝડપી લીધા હતા.
પોલીસ કાર્યવાહીઃ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓની ધરપકડ કરી ત્યારે તમની પાસેથી 12 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જેમાં 4 લાખ રોકડા, એક્ટિવા, હોન્ડા શાઈન બાઈક, સોના ચાંદીના દાગીના અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓએ 18મીના રોજ કતારગામ સુમુલ ડેરી રોડ શ્રદ્ધા સોસાયટીના બંગલામાંથી કરેલ ચોરી કબુલી લીધી છે. તેમણે આજ સુધી ગાંધીધામ, રાજકોટ જેવા શહેરો અને યુપી જેવા રાજ્યોમાં કુલ 100થી વધુ ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે.
ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર અને શહેરોમાં હાઈફાઈ સોસાયટીને ટાર્ગેટ કરનાર આ ટોળકીના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ પુછ પરછ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે આજ દિન સુધી તેઓએ 100થી પણ વધુ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પઢિયાર અને તેમની ટીમે ચોક્કસ બાતમીને આધારે આ ગેંગને ઝડપી લીધી હતી. -લલિત વાગડીયા, પોલીસ ઈન્સ્પેક્ટર, સુરત ક્રાઈમ બ્રાન્ચ