સુરત : સુરતમાં બે મહિલાઓને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે બે લોકો બે મહિલાઓને ઢોર મારી રહ્યા છે. બે લોકો વજનદાર પાઇપથી મહિલાઓને માર મારી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે હત્યાના જૂના બનાવમાં મહિલાઓ સામેવાળા પક્ષને સમાધાન કરવા માટે દબાણ કરી રહી હતી. જે સંદર્ભે વિવાદ સર્જાયો અને સામેવાળા પક્ષના બે યુવકોએ મહિલાઓને ઢોર માર માર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા જ આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યાં હતાં.
એક મર્ડર કેસમાં વિવાદ સર્જાયો હતો. ચિંતન મિશ્રા અને પ્રવીણ મારવાડીના હત્યાના બનાવમાં મહિલાના પરિવાર સભ્ય આરોપી છે. આ માટે આ મહિલાઓ પરિવારના અન્ય લોકોને ધમકાવવા ગઈ હતી અને સતત દબાણ કરી રહી હતી કે તેઓ સમાધાન કરી લે. જ્યારે સામે પક્ષના લોકોએ સમાધાનની ના પાડી ત્યારે આ મહિલાઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. જેથી યુવકોએ રોષે ભરાઈ મહિલાને માર માર્યો હતો. હાલ મહિલાઓની સારવાર ચાલી રહી છે અને માર મારનાર યુવકોની ધરપકડ પણ કરવામાં આવી છે...અજય તોમર (સુરત પોલીસ કમિશનર )
હત્યા કેસમાં સમાધાન માટે દબાણ : સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા ગાયત્રીનગર સોસાયટી બેમાં બે મહિલાઓને કેટલાક યુવાનો માર મારી રહ્યા છે અને તેમના હાથમાં વજનદાર પાઇપ છે જેના થકી તેઓ સતત મહિલાઓને મારી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા જ પોલીસ પણ હરકતમાં આવી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિડીયો સુરત શહેરના પાંડેસરા વિસ્તારનો છે જ્યાં જૂના હત્યાના મામલાને લઈ બબાલ થઈ હતી. ચિંતન મિશ્રા અને પ્રવીણ મારવાડી હત્યા કેસમાં મહિલાના પરિવારના સભ્ય આરોપી હતાં. જેથી મહિલાઓ સામેવાળા પક્ષને દબાણ કરી રહી હતી કે તેઓ આ હત્યા પ્રકરણમાં સમાધાન કરી લે.
પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ : બંને પક્ષની સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ જોકે સામેવાળો સમાધાન માટે તૈયાર નહીં થતા બંને મહિલાઓ તેમની સાથે વિવાદ કરવા લાગી હતી અને સતત દબાણ કરી રહી હતી. વિવાદ વધતા બે યુવાનો આ મહિલાઓ ઉપર વજનદાર પાઇપ વડે હુમલો કરવા લાગ્યા હતાં. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા આજે પોલીસ પણ હરકતમાં આવી હતી બંને પક્ષની સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે મહિલાઓને માર મારનાર યુવાનોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.