સુરત : શહેરમાં વિચિત્ર લૂંટની ઘટના સામે આવી છે. જેમાં લૂંટ કરવા JCB અને ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હકીકતમાં જે ઓફિસને ભોંયભેગી કરવામાં આવી તે જે જમીન પર હતી તે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન ખરીદનારે પ્લોટ અને કેન્ટિનનું બાંધકામ કર્યુ હતું. વિવાદમાં અન્ય એક દાવેદારે કોર્ટમાં કેસ પણ કર્યો હતો.
શું છે સમગ્ર કેસ?: સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા અને એલ્યુમિનિયમની ફેક્ટરી ચલાવતા વેપારી જયેશ સોચિત્રાએ ફેક્ટરી માટે 68.02લાખમાં કોસાદ ખાતે જમીન ખરીદી હતી. આ માટે તેમણે સબરજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ પણ કરાવ્યું હતું. જો કે આ જમીન પર અન્ય લોકોએ પણ દાવો કર્યો હતો. નટવરલાલભાઈ સહિત અન્ય લોકોએ આ જમીન પર દાવો કરીને કોર્ટમાં કેસ પણ કર્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ બનાવની રાત્રે નટવરલાલનો પુત્ર અને અન્ય 20થી 25 લોકો ત્યાં JCB અને ટ્રક લઈને પહોંચી ગયા હતા. ત્યારબાદ બધું બાંધકામ JCB દ્વારા તહસ નહસ કરી દેવામાં આવ્યું હતું. બાંધકામ તોડી પાડ્યા બાદ ટ્રકમાં કાટમાળ, ફર્નિચર અને પતરા ભરીને લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ પહેલા આરોપીઓએ કુલ 4 સીક્યુરિટી ગાર્ડ્સને છરી બતાવી ધમકી આપી હતી. ગાર્ડને બાંધી દેવામાં આવ્યા હતા.
કોસાદ ગામની સીમ સર્વે નંબર 33 પૈકી એક જમીન જયેશ સોચિત્રાએ પત્ની પાસેથી વેચાણ દસ્તાવેજ કરી ખરીદી હતી. તેઓ આ કેસમાં ફરિયાદી છે. આ બાબતે તેઓએ સબ રજીસ્ટર કચેરીમાં તેમણે વેચાણ દસ્તાવેજ પણ કરાવ્યો હતો. આ જમીનમાં નટવરભાઈ કરીને વ્યક્તિ સહિત અન્ય લોકો દાવો કરી રહ્યા હતા. આ બાબતે હાલ કોર્ટમાં દીવાની દાવો પણ ચાલી રહ્યો છે. કુલ 10 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી...આર.બી. ઝાલા(SP, સુરત પોલીસ)