સુરત : પાંડેસરાના એક શ્રમજીવી વિસ્તારમાંથી પાંચ વર્ષના એક બાળકને સમોસા ખવડાવવાને બહાને યુવાન અપહરણ કરી ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને તે પછી બાળકને ઘરે પરત પણ મૂકી ગયો હતો. આ કેસમાં પાંડેસરા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે આરોપીને પકડી લીધો હતો.
લાંબા વાળ જોઇ છોકરી સમજ્યો આરોપી : આરોપીને પકડવા પોલીસે 200 જેટલા કેમેરા ચેક કર્યા હતાં. જેમાં આરોપી બાળકને લઈને જતો દેખાયો હતો અને પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. આરોપીને બાળકના લાંબા વાળ જોઈ લાગ્યું કે તે છોકરી છે જેથી તેનું અપહરણ કરી તે લઈ ગયો હતો.
બાળકને પરત મૂકી ગયો : પાંડેસરાના શ્રમજીવી વિસ્તારમાં રહેતા એક પરિવારનો પાંચ વર્ષનો બાળક ગઈકાલે સાંજના સમયે ઘર પાસે રમતો હતો અને બાદમાં તે બાળક ગુમ થઇ ગયો હતો. જેને શોધવા માટે પરિવારના સભ્યો આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરુ કરી હતી. એક કલાક બાદ એક યુવાન બાળકને લઈને આવ્યો હતો અને તેને ધર પાસે મૂકીને ચાલ્યો ગયો હતો. જોકે બાળકને દુખાવો થઇ રહ્યો હતો, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં.
તબીબી તપાસમાં જણાયું હતું કે બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. બનાવની જાણ પાંડેસરા પોલીસ મથકના પીઆઈ. એન. કે. કામળીયાને થતા તેમણે સર્વેલન્સ સ્ટાફને આરોપીને શોધવાના કામે લગાડ્યો હતો. જેમા ટેકનીકલ ટીમના હેડ. કોન્સ.હરપાલસિંહ અને સિદ્ધરાજસિંહએ ઘટના બની તે સમય સાંજના પોણા સાત વાગ્યાને નોટ કરીને તેને આધારે નજીકના વિસ્તારના આશરે 200 જેટલા કેમેરા ચેક કર્યા હતાં. જેમાં પોલીસે બાળકને જે વ્યક્તિ લઈ જતો દેખાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને એક કેમેરામાં આરોપી બાળકને લઈને જતો દેખાયો હતો અને તેનો ફોટો મેળવી લઈને તપાસ કર્યા બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી...વિજયસિંહ ગુર્જર ( ડીસીપી )
કાપડના કારખાનામાં નોકરી કરે છે : આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે વધુમાં એ જણાવ્યુ હતુ કે, 20 વર્ષીય આરોપી સાગર પરશુરામ બહેરા ઉધનાના વિષ્ણુનગર ખાતે રહે છે અને મૂળ પુનીયારી જી.બાલેશ્વર ઓડિશાનો રહેવાસી છે. સાગર બહેરાની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં તેણે એવી કબૂલાત કરી હતી કે પોતે કાપડના કારખાનામાં નોકરી કરે છે અને બાળક તેના ઘર પાસે રમતો હતો અને બાળકના વાળ લાંબા હોઇ તેને એમ લાગ્યું કે તે છોકરી છે અને તેમ સમજીને તે ઉપાડી ગયો હતો અને ઉધનાની સોનલ ઇન્ડ નજીક લઇ જઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જોકે બાળકને તેના ઘરે પણ તે જ પરત મૂકી ગયો હતો પણ તે સમયે બાળકના પરિવારને સાગરે શું કૃત્ય કર્યું છે તેની જાણ નહોતી.