- સુરતમાં જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીઓની ધરપકડ
- જવેલર્સ અંદર ઘુસી સોની પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા
- બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
સુરત: ત્રણેક દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં લૂંટ કરનાર લૂંટારુઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. લૂંટના ઈરાદે આવેલા બન્ને લૂંટારૂઓએ દાગીના જોતા જોતા હુમલો કરી નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા બન્ને આરોપીઓમાં સંદીપ ડુંગરાણીએ રૂપિયાની જરૂર હોવાથી વતનથી તેના મિત્ર નિકુલ ભીંગરાડીયાને બોલાવ્યો હતો અને બાદમાં બન્ને મિત્રોએ જ્વેલર્સને ત્યાં રેકી કરીને પછી લૂંટને અંજામ આપી નાસી ગયા હતા.
લૂંટમાં વપરાયેલા સાધનો જપ્ત
કતારગામ પાર્થ કોપ્લેક્ષમાં આવેલા પ્રસંગ જવેલર્સમાં લુંટના ઇરાદે બે લોકો આવ્યા અને દુકાન માલીકને ઉપરા છાપરી ચપુના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયા હતાં. પોલીસે CCTV ફુટેજ, મોબાઈલ સર્વેલન્સ અને પોકેટકોપ મોબાઈલની મદદ લઈ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા જગાતનાકા સામેથી આરોપી સંદિપ સુરેશભાઇ ડુંગરાણી અને નિકુલ ચકુરભાઇ ભીંગરાડીયાની ધરપકડ કરી છે. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલા ચપ્પુ તથા ગુનો આચરવા માટે લાલ દરવાજા પુલ નીચેથી ચોરી કરેલા વગર નંબરની હીરો સપ્લેન્ડર બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પૈસાની જરુર હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો
સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી આરઆર સરવૈયાએ જણાવ્યું હતું કે, આરોપી સંદિપને પૈસાની જરૂરીયાત હતી. તેણે કતારગામ ધનમોરા રોડ પર આવેલા પ્રસંગ જવેલર્સમાં સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન બનાવી તેના મિત્ર નિકુલને વતનથી સુરત શહેરમાં બોલાવી પોતાના રૂમમાં 15 દિવસ સુધી રાખ્યો હતો. તેઓ બન્ને જણાએ પ્રસંગ જવેલર્સ દુકાનની આશરે બે દિવસ રેકી કરી હતી. બાદમાં લૂંટના ઈરાદે અંદર ગયા હતાં.