સુરત : સામાન્ય રીતે ફિલ્મમાં જોવા મળતી લૂંટ જેવી જ ઘટના સુરત શહેરના સચિન વિસ્તારમાં બની હતી. સુરતના સચિન વિસ્તારની બેંક ઓફ મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોની જેમ કર્મચારીઓ કાર્યરત હતા. ગ્રાહકો પણ બેન્કિંગ કામથી બેંકની અંદર હતા. તે દરમિયાન અચાનક જ બાઈક પર આવેલા પાંચ જેટલા લોકો બંદૂક જેવું હથિયાર બતાવી બેંકમાંથી અંદાજિત 14 લાખથી પણ વધુ રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. બે બાઈક પર પાંચ જેટલા ઇસમો આવ્યા હતા. તેમાંથી ચાર લોકોએ હેલ્મેટ પહેર્યું હતું.
લૂંટની ઘટના કેમેરામાં કેદ : ધોળા દિવસે બનેલી લુંટની ઘટના બેંકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, જ્યારે લૂંટારો બેંકની અંદર આવ્યા ત્યારે કર્મચારીઓ અને ગ્રાહકો ભયભીત થઈ ગયા હતા. ગુલાબી રંગના શર્ટમાં હેલ્મેટ પહેરેલ એક ઈસમ હાથમાં બંદૂક જેવી વસ્તુ લઈ પહેલા ગ્રાહકો અને કર્મચારીઓને ધમકાવે છે. લુંટારો તેમને બેંકની એક સાઈડમાં જવા માટે કહે છે. બીજી બાજુ એક પીળા રંગની ટી શર્ટ પહેરેલ એક આરોપી પણ ગ્રાહકોને બીજી બાજુ લઈ જાય છે.
પાંચ મિનિટમાં ખેલ ખતમ : તે દરમિયાન બેંકની અંદર એક મહિલા પોતાના બે બાળકોને લઈને આવે છે. ત્યારે પીળા રંગના ટીશર્ટ વાળો વ્યક્તિ પ્રથમ પોતાની બંદૂક છુપાવે છે. ત્યારબાદ મહિલાને પણ અન્ય ગ્રાહકો પાસે ઊભા રહેવા માટે કહે છે. બાદ ગુલાબી રંગના ટીશર્ટમાં આવેલા લુટારો બેંક કર્મચારીને લઈને આવે છે. બાદમાં કેશિયર પાસે મુકેલા કેશ પોતાના અન્ય એક સાથી સાથે મળીને લઈને ફરાર થઈ જાય છે. પાંચ લુંટારો પાંચ મિનિટમાં બેંકની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરી લૂંટ ઘટનાને અંજામ આપી નાસી જાય છે. પાંચ મિનિટ સુધી બેંક કર્મચારી અને ત્યાં હાજર ગ્રાહકોનો જીવ અધ્ધર થઈ જાય છે. 14 લાખની લૂંટ કર્યા બાદ આરોપીઓ ત્યાંથી નાસી જાય છે.
સુરત શહેરના સચિન વિસ્તારની હદમાં આવેલા વાંચ ગામમાં આશરે 11:30 વાગ્યાની આસપાસ બેંક ઓફ મહારાષ્ટ્રમાં પાંચ લોકો બે બાઈક પર આવ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી ચાર લોકોએ માથે હેલ્મેટ પહેર્યું હતું. આ લોકો બેંકની અંદર પ્રવેશ્યા હતા. બેંક કર્મચારીઓ તેમજ ગ્રાહકોને ધાક ધમકી આપી 14 લાખ રૂપિયાની લૂંટ કરી છે. લૂંટની ઘટનાને અંજામ આપી ત્યાંથી નાસી ગયા છે. હાલ નાકાબંધી ચાલુ છે અને દરેક જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. -- કે.એન. ડામોર (જોઈન્ટ પોલીસ કમિશનર, સુરત પોલીસ)
શહેરમાં નાકાબંધી : ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા સુરત જિલ્લામાં ડીસ્ટ્રીક બેંકમાં આવી જ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી આરોપી પકડાયા નથી. ધોળા દિવસે લૂંટની ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ પોલીસ કાફલો પણ બેંક પર પહોંચી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. લૂંટારો નાસી ન જાય તે માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી.