સુરત : સુરત જિલ્લામાં આજરોજ સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું છે.જેને લઇને ઠંડીમાં પણ ચમકારો થયો છે અને વિઝીબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તા પરથી પસાર થતા વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ છે અને તેઓને સતત અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે ગાઢ ધુમ્મસના કારણે સુરત જિલ્લામાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.
કન્ટેનર હાઈવેની બાજુમાં ઉતરી ગયું : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ સુગર નજીક ગાઢ ધુમ્મસના કારણે એક કન્ટેનર ધીમી ગતિએ ચાલી રહ્યું તે દરમિયાન અન્ય એક કન્ટેનર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેને લઇને બે પૈકી એક કન્ટેનર હાઈવેની બાજુમાં ઉતરી ગયું હતું. અકસ્માતના બનાવને પગલે એનએચએઆઈ - NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત : એનએચએઆઈ વિભાગના સુપરવાઇઝર અસરુદ્દીનભાઈએ જણાવ્યું હતું કે અમે પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન આ અકસ્માત પર અમારી નજર ગઈ હતી.એક કન્ટેનર હાઈવેની બાજુમાં ઉતરી ગયું છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતાઓ છે.
સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું છે : ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લા ઓલપાડ,કામરેજ,માંગરોળ,માંડવી,બારડોલી સહિતના તાલુકાઓમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું.જેને લઇને ઠંડીમાં વધારો થયો હતો. રસ્તા પર પસાર થતા વાહનોને હેડલાઇટ શરૂ કરી વાહન ચલાવની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે હાલ સુરત જિલ્લામાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.