સુરતઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલની ચૂંટણીનું આજે (રવિવાર) પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે ચૂંટણી લડી રહ્યાં હતાં. અનેક આક્ષેપ વચ્ચે સુમુલની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના બે જૂથ રાજેશ પાઠક જૂથ (સત્તાધારી પેનલ) અને માનસિંગ જૂથ (સહકાર પેનલ) વચ્ચે જંગ છેડાયો હતો. આ ચૂંટણીમાં બન્ને પક્ષોને 8-8 બેઠક મળતા પરિણામ ટાઈ રહ્યું હતું.
આ બેઠકની જો વાત કરવામાં આવે તો ઓલપાડ, ઉમરપાડા અને પલસાણા બેઠક બિનહરીફ રહી હતી. ઓલપાડ બેઠક પર હાલમાં જ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન જયેશ પટેલ (સુમુલ) બિનહરીફ રહ્યાં હતા, તો ઉમરપાડા બેઠક પર છેલ્લી ટર્મમાં સુમુલ ડેરીના ઉપપ્રમુખ રહી ચુકેલા રીતેશ વસાવા અને પલસાણા બેઠક પર બળવંત સિંહ સોલંકી બિન હરીફ રીતે ચૂંટાઈ આવ્યા હતા. આ ત્રણેય કેન્ડીડેટ માનસિંગ જૂથના હતા. સુમુલની 16 બેઠકમાંથી 3 બેઠકો બિન હરીફ રહી હતી.
બીજી બેઠકોની જો વાત કરીએ તો માનસિંગ જૂથે (સહકાર પેનલ) કામરેજ, મહુવા, વ્યારા, ડોલવણ અને વાલોડ બેઠક પર જીત મેળવી હતી, તો બીજી બાજૂ પાઠક જૂથે (સતાધારી પેનલ) ચોર્યાસી, બારડોલી, માંડવી, કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ અને માંગરોળ બેઠક પર જીત મેળવી હતી. માંડવી બેઠકની ત્રીપાંખીયા જંગમાં સત્તાધારી પેનલના રેશાભાઈ ચૌધરીએ 78 મત મેળવી બાજી મારી હતી. બે જૂથ વચ્ચેની આ જંગમાં પરિણામ ટાઈ રહ્યું હતું. હવે પાર્ટી લેવલે મેન્ડેટ આપી ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ નક્કી કરવામાં આવશે.
હવે જોવાનું રહ્યું કે, પાર્ટી કોને સુમુલની ગાદી પર બેસાડી તાજપોશી કરશે. લોકચર્ચા અનુસાર પાર્ટીના જુના નેતા અને નેરન્દ્ર મોદીના નજીકના ગણાતા રાજેશ પાઠકને પાર્ટી કોઈ પણ હિસાબે ગુમાવવા માંગશે નહીં તો બીજી બાજુ પાર્ટીના સાસંદ રહી ચુકેલા માનસિંગ પટેલ પર પ્રમુખ પદના પ્રબળ દાવેદાર છે. ઉપપ્રમુખ પદ માટે પણ હાલના ઉપપ્રમુખ રીતેશ વસાવા અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન જયેશ પટેલ(દેલાડ) પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હવે પાર્ટી કોને મેન્ડેટ આપી સુમુલની રાજગાદી પર બેસાડે તે જોવું રસપ્રદ રહેશે.