સુરત : નવસારીના રહેવાસી અને ઉધના ઝોનમાં સફાઈ કર્મચારી તરીકેની ફરજ બજાવતા મહિલાએ આજ રોજ બપોરના સમય દરમિયાન સુરત પોલીસ કમિશ્નર કચેરીના પરિસરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મહિલાના આપઘાતના પ્રયાસ મામલે કચેરીમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જ્યાં ફીનાઇલ ગટગટાવી રહેલી મહિલાના હાથમાંથી ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક બોટલ હાથમાંથી લઈ 108ને જાણ કરી હતી. જો કે પ્રથમ ખાનગી વાહનમાં બેસાડ્યા બાદ મહિલાને 108 મારફતે સારવાર અર્થે નવી સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર અંજુબેને કમલેશ કહાર અને રાજેશ કહાર નામના ફાયનાન્સરો પાસેથી વ્યાજપેટે રૂપિયા ત્રણ લાખ લીધા હતા. જો કે અવેજમાં નવ લાખ જેટલી રકમ હમણાં સુધી ભરી દીધી હતી. તેમ છતાં પઠાણી ઉઘરાણી કરી વધુ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જે હાલ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.