સુરત : ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એક જ દિવસમાં એક વ્યક્તિ દ્વારા 163 RTI અરજી થઈ છે. સુરત શહેરના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ સમગ્ર ગુજરાત રાજ્યની 156 નગરપાલિકા તેમજ 7 મહાનગરપાલિકામાં એકસરખી માહિતી મેળવવા માટે RTI કરી છે. તેઓએ એકસાથે 173 જેટલી RTI અરજીઓ કરી તમામ તંત્ર પાસે માહિતી માંગી છે. RTI ઈતિહાસમાં પ્રથમવાર હશે કે એક જ દિવસમાં એક સાથે આટલી અરજી થઈ હશે.
RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા : અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં 142 કેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સરકાર પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. રાઈટ પિટિશન-પીઆઈએલ નંબર 87/2022 માં હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ હુકમ કરાયો હતો. તેમાં અરજદાર સંજય ઈઝાવાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
RTI માં નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમજ જાહેર સત્તામંડળ હસ્તક આવનાર રસ્તા ઉપર બનાવવામાં આવેલા નાના-મોટા પુલ તેમજ નાળાઓની સંખ્યા અંગે માહિતી માંગી છે. ઉપરાંત નાના-મોટા પુલ, નાળાની સંખ્યા પર કરવામાં આવેલ ઇન્સ્પેક્શન અંગે પણ માહિતી માંગી છે. -- સંજય ઈઝાવા (RTI એક્ટિવિસ્ટ)
નિરીક્ષણ અંગે સોગંદનામું : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભરના બ્રિજ માટે યુનિફોર્મ પોલિસી બનાવવાની માંગ સ્વીકારવામાં આવી હતી. તારીખ 6 માર્ચ 2023 ના રોજ સરકાર દ્વારા હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સહિત જાહેર સત્તામંડળ હસ્તક આવનાર રસ્તા, નાના-મોટા બ્રિજ, નાળા વગેરે સમાન અંતરે નિરીક્ષણ થાય અને તેની જાળવણી કરવા બાબત આ સોગંદનામું હતું. આ અંગેની RTI કરી અરજદાર સંજય ઈઝાવા દ્વારા અનેક માહિતી માંગવામાં આવી છે.
એક સાથે 163 RTI અરજી : સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે, પોતાની RTI માં તેઓએ નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમજ જાહેર સત્તામંડળ હસ્તક આવનાર રસ્તા ઉપર બનાવવામાં આવેલા નાના-મોટા પુલ તેમજ નાળાઓની સંખ્યા અંગે માહિતી માંગી છે. કેટલા નાના-મોટા પુલ, નાળાની સંખ્યા પર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે તે અંગેની માહિતી માંગવામાં આવી છે. સાથે તમામના લોકેશન અને નામની પણ માંગણી કરવામાં આવી છે. આ માસમાં કેટલી જગ્યાએ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, તેની સંખ્યા માંગવામાં આવી છે. ઉપરાંત ચોમાસા પછી કરવામાં આવેલા ઇન્સ્પેક્શનની પણ પૂરી માહિતી માંગવામાં આવી છે.
શું માહિતી માંગી ? સંજય ઈઝાવાએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાની RTI માં તેઓએ ઇન્સ્પેક્શનની નકલો માંગી છે. અધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિમવામાં આવેલ રજીસ્ટરની નકલ અને તેની રિપોર્ટની માંગ કરવામાં આવી છે. ઇન્સ્પેક્શન બાદ કયો પુલ અને નાળા વાહન-વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે અથવા નથી મુક્યો તે અંગેની રજીસ્ટરમાં કરવામાં આવેલી નોંધણીની નકલ પણ માંગવામાં આવી છે. માહિતી નહીં આપવામાં આવે તો તેના કારણરૂપ હોય તે નકલ આપવામાં આવે, તેમાં જે કયા અધિકાર ક્ષેત્રમાં કયા અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તેમનું નામ, હોદ્દો અને કર્મચારીના નંબર પણ અમે માંગ્યા છે.