સુરત : શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, વરસાદની તોફાની બેટિંગ કરી હતી, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા હાથી મંદિર વાળા રોડ પર કમર સુધી પાણી ભરાયા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. તો બીજી બાજુ અલથાણ વિસ્તાર ખાતે આવેલા ખાડીની બાજુમાં જે બાયોડાયવર્સિટી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે ત્યાં ખાડી કરતા પણ ખરાબ સ્થિતિ સર્જાય છે.
મનપાનું તંત્ર દોડતું થયું : સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. શહેરના વરાછા, લિંબાયત, ડીંડોલી અને ઉધના સહિત અન્ય વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાતા મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા છે. પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં હાથી મંદિર વાળા રોડ નજીક કમર સુધી પાણી ભરાયા છે. આશરે ત્રણ ફૂટ પાણી ભરાતા મનપાનું તંત્ર દોડતું થયું હતું. આ સફાઈ કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પાણી નિકાલ માટેની તમામ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વરસાદમાં ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના મોનસુનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.
બાયોડાઇવર્સિટી પાર્ક ખાડીના પાણીમાં ગરકાવ : એટલું જ નહીં કરોડો રૂપિયાના ખર્ચે બમરોલી ખાડી નજીક બાયોડાયવર્સિટી પાર્ક સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. અલ્થાન ખાડીની આજુબાજુમાં આ પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારે વરસાદની કારણે આ વિસ્તારની હાલત પણ કફોડી બની ગઈ છે. ખાડી કરતાં પણ ખરાબ સ્થિતિ આ પાર્કની જોવા મળી રહી છે. વરસાદના પાણી ભરાઈ જતા બાયોડાયવર્સિટી પાર્ક છે કે નહીં તે પણ દેખાઈ રહ્યો નથી. સુરત શહેરના સ્થાન વિસ્તાર ખાતે આવેલા બાયોડાયવર્સિટી પાર્ક ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા આકાશી દ્રશ્યો સામે પણ આવ્યા છે.
પતરાના શેડનો ભાગ નીચે પડ્યા : સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એટલું જ નહીં અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાની પણ ઘટના બની છે. બેગમપુરા વિસ્તારમાં હાથી ફળિયા ખાતે એક ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન હતું અને કોઈ રહેતું ન હતું. પતરાના શેડનો ભાગ નીચે પડી જતા ત્યાં પાર્ક કરેલી મોપેડને નુકસાન થયું હતું. અંગેની જાણ ફાયર વિભાગને કરતા મુગલીસરા, નવસારી બજાર અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનની તમામ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.