- સુરતથી દેશના જવાનો માટે બેગ અને પેરાશૂટનું નાયલોન કાપડ બનાવવાની શરૂઆત
- ફેબ્રિકને કેન્દ્રિય લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું
- નાયલોન પોલિસ્ટર કાપડનું ટેસ્ટિંગ વૈશ્વિક સ્તરે કરાયું
- વેપારીઓ દ્વારા અદ્યતન મશીનો કોરિયા અને જાપાનથી આવવાની શરૂઆત
સુરત :વિશ્વ વિખ્યાત સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ હવે ડિફેન્સ સેક્ટરમાં પણ સિંહફાળો આપવા જઈ રહ્યું છે. વિદેશથી અત્યારસુધી આવતા દેશના જવાનો માટે બેગ અને પેરાશૂટનું કાપડ બનાવવાની શરૂઆત સુરતથી થઈ રહી છે. આ ખાસ નાયલોન પોલિસ્ટર કાપડનું ટેસ્ટિંગ પણ વૈશ્વિક સ્તરે કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. જેથી આવનાર દિવસોમાં આ કાપડની વધુ ડિમાન્ડ ડિફેન્સ સેક્ટરમાં સાફ જોવા મળશે.અગાઉ આ કાપડ ચીનથી આયાત કરવામાં આવતું હતું. પરંતુ હવે સ્વદેશી કાપડથી ડિફેન્સ સેક્ટરમાં રક્ષા કરવામાં આવશે.
આ સેક્ટરમાં પણ હવે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. સસ્તુ અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કાપડ આવનાર વર્ષોમા વિદેશોમાં પણ ડંકો વગાડશે.અત્યાર સુધી ડિફેન્સ સેક્ટરમાં નાયલોન પોલિસ્ટ ફેબ્રિક ઈમ્પોર્ટ કરવામાં આવતુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટના કારણે આ ફેબ્રિકનું સેમ્પલ લેવામાં આવ્યું અને તેની ટેસ્ટિંગ કરવામાં આવી અને ટેસ્ટિંગમાં આ કાપડ પાસ થઇ ગયું.
આ અંગે ટેક્સટાઇલ કમિટી મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ ચેરમેન અને ફિયાસ્વી ઓલ ઇન્ડિયા ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, સુરતમાં રક્ષા ક્ષેત્રમાં વપરાતા પેરાશૂટનો કાપડ તૈયાર થવા લાગ્યું છે. આ સાથે મિલેટરીના બેગનું કાપડ પણ સુરતમાં તૈયાર થવા લાગ્યું છે. સિટરા, બટરા અને કેન્દ્રીય ટેક્સટાઈલ કમિટીમાં આ ફેબ્રિક પાસ કરવામાં આવ્યું છે. રક્ષા ક્ષેત્રમાં વપરાતા કાપડ કેન્દ્રના લેબમાં પાસ થવું ખૂબ જ જરૂરી છે. હાલ એની ગુણવતા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડના નજીક આવી રહી છે. આ માટે વેપારીઓ દ્વારા અદ્યતન મશીનો કોરિયા અને જાપાનથી મંગાવવામાં આવી રહી છે. લોકડાઉન બાદથી હવે મશીનો આવવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે આવનારા મહિનામાં રીપેર લુમ્સ, વોટર જેટ લુમ્સ આવનાર દિવસોમાં ઈમ્પોર્ટ થશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં રક્ષા ક્ષેત્રે વપરાતા કાપડનો ઈમ્પોર્ટ 40 ટકા ચીન કરતું હોય છે. હાલ ચીનમાં વસ્તુઓ મોંઘી થઈ છે. આ સાથે ચીનના પ્રોડક્ટથી યુરોપીય દેશો, જાપાન, કોરિયા અને અમેરિકા ચાઈનાની વસ્તુઓ મોટાભાગે વાપરવાનું ટાળી રહ્યા છે. આ અવસર અમે લઈ શકીએ છીએ. ત્યારે આવનાર દિવસોમાં આ તકનો લાભ લઇ વેપારીઓ આર્થિક રીતે સક્ષમ થયા બાદ આ ક્ષેત્રમાં વધુ આગળ વધશે.
આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પેરાશૂટ માટે ફેબ્રિક ખૂબ જ મજબૂત હોવું જોઈએ. 10 હજાર કિલો મીટર ઉપરથી જો પેરાશૂટ પડે તો હવાનો માર ઝીલી શકે આ તમામ પાસાઓ ધ્યાનમાં રાખી લેબમાં કાપડ પ્રમાણિત કરવામાં આવતું હોય છે. આ કાપડ તે માપદંડમાં ખરું ઉતર્યું છે.