- રશ્મિ કટારીયા હત્યા પ્રકરણ મામલે પોલીસે રિકન્સ્ટ્રકશન કર્યું
- મૃતદેહને ડીકીમાં મૂકી જ્યાં જ્યાં ફર્યો હતો તે તમામ જગ્યાએ પોલીસે પંચનામું કર્યું
- પોલીસે રિમાન્ડ મંજૂર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી
સુરતઃ જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાડ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ગામના જ પરિણીત યુવક ચિરાગ પટેલ સાથે બાબેનના લક્ઝરીયા એપાર્ટમેંટમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી રશ્મિ કટારીયા 15 નવેમ્બરથી ગુમ હોવાની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.
પોલીસે આરોપીની ધરપકડ બાદ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
રશ્મિની શોધખોળ કરી રહેલી પોલીસે ચિરાગની કડકાઇથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ગત 13 નવેમ્બરના રોજ ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સગેવગે કરવા કારમાં લઈ જઇ વાલોડના નવા ફળિયા ખાતે આવેલા તેના સસરાના ખેતરમાં દાટી દીધો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ કરતાં પોલીસે વાલોડના નવા ફળિયા ખાતે આવેલા ખેતર પ્રાંત અધિકારીની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ચિરાગની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 201 તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે મંગળવારના રોજ ચિરાગની વિધિવત ધરપકડ કર્યા બાદ બુધવારના રોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
મૃતદેહને ગાડીની ડીકીમાં મૂકીને કલાકો સુધી ફર્યો હતો
પોલીસે સૌપ્રથમ બાબેન ગામે આવેલા લક્ઝરીયા એપાર્ટમેંટના તેના ફ્લેટ નંબર સી-301માં તેનું કેવી રીતે ગળું દબાવી દીધું હતું તે અંગે પૂછપરછ કર્યા બાદ તે ત્રીજા માળેથી મૃતદેહને કઈ રીતે ગાડી સુધી લાવ્યો અને મૃતદેહ લઈને ક્યાં ક્યાં ફર્યો તે અંગેની સમગ્ર ઘટના દોહરાવી હતી. 13 ની મળસ્કે ત્રણ વાગ્યે રશ્મિનું ગળું દબાવી હત્યા કરી હતી અને 4 વાગ્યે મૃતદેહને ગાડીની ડીકીમાં મૂકી ફ્લેટ પર આવી ઊંઘી ગયો હતો. સવારે 9 વાગ્યે ગાડી લઈને બારડોલી શહેર ઉપરાંત નેશનલ હાઇવે નંબર 53 પર પલસાણાથી વાલોડ સુધી આંટા માર્યા હતા અને તાડપત્રી અને મીઠું ખરીદ્યા બાદ બપોરે એક વાગ્યે વાલોડના નવા ફળિયા ખાતે આવેલા તેના સસરાના ખેતરે પહોંચ્યો હતો, જ્યાં મૃતદેહને દાટ્યા બાદ સાંજે ચાર વાગ્યે ફ્લેટ પર આવીને સૂઈ ગયો હતો.
પાડોશીઓ અને વોચમેનના નિવેદનો લેવાયા
આ ઉપરાંત પોલીસે ફ્લેટની આજુબાજુમાં આવેલા અન્ય ત્રણ ફ્લેટના રહીશોના પણ નિવેદનો નોંધ્યા હતા. એપાર્ટમેન્ટના ગેટ પર રાત્રિ દરમિયાન ફરજ બજાવતા વોચમેનનું પણ પોલીસે નિવેદન લીધું હતું.
બારડોલી કોર્ટમાં રિમાન્ડ માટે આરોપીને રજૂ કરાયો
આ ઘટનાના રિકન્સ્ટ્રકશન બાદ આરોપી ચિરાગ પટેલની તપાસ કરી રહેલા એસસી- એસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ બારડોલી કોર્ટમાં રિમાન્ડ માટે તેને રજૂ કર્યો હતો. જ્યાં સરકારી વકીલ જીતેન્દ્ર એન.પારડીવાલાએ આરોપીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટ સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી. પોલીસે પણ વિવિધ મુદ્દાઓ સાથે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ આપવાની કોર્ટ સમક્ષ માંગ કરી હતી.
આ મુદ્દાઓ સાથે પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યાં હતા
પોલીસેને ગેરમાર્ગે દોરી ગંભીર પ્રકારનો ગુનો આચરેલો હોય, અન્ય કોઈ વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ હથિયાર કે ચીજ વસ્તુનો ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત બારડોલીના શાંતિ ભર્યા વાતાવરણમાં ભયનો માહોલ સર્જ્યો હોય પકડાયેલા આરોપીનો પૂર્વ ઇતિહાસ ચકાસવા તેમજ અન્ય કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ કોઈ વ્યક્તિની સલાહ સૂચન લીધેલા છે કે કેમ તેની તપાસ કરવા, આરોપીએ જણાવેલી હકીકતની સત્યતા કરવા માટે આરોપીની હાજરીની જરૂર હોય તેમજ આ આરોપી કોઈ સાથે મળીને આગોતરું આયોજન કરીને ગુનો આચરેલો છે કે કેમ તે બાબતોની તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, બારડોલી અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયના ન્યાયાધીશ બી.એલ. ચૌધરીએ તમામ દલીલોને ધ્યાનમાં લઈ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.