સુરત: અડાજણ વિસ્તાર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારનો પુત્ર મિલન છેલ્લા બે વર્ષથી કેનેડામાં અભ્યાસ માટે ગયો છે. તે ત્યાં એન્ટોબિટો શહેરમાં રહે છે અને હેમ્બર કોલેજમાં એમબીએ HR ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ હાલ જે કેનેડા અને ભારત વચ્ચે પરિસ્થિતિ બગડી છે તેના કારણે પ્રજાપતિ પરિવાર પુત્રને લઈ ચિંતામાં છે. પ્રજાપતિ પરિવારની જેમ હાલ ગુજરાતભરમાં હજારોની સંખ્યામાં વાલીઓ ચિંતામાં મુકાયા છે.
'હાલ જે કેનેડાની પરિસ્થિતિ છે તેને લઈને અમને ચિંતા છે. એક મા તરીકે મારા પુત્રની મને ચિંતા છે. દિવસ દિવસ દરમિયાન અનેકવાર તેની સાથે મેસેજ પર વાત થાય છે. બેથી ત્રણ વખત વીડિયો કોલ થતી વાત કરીએ છીએ. હાલ બહુ ચિંતા છે અમારા સંબંધીઓ પણ અમને કોલ કરીને પૂછપરછ કરે છે કે મારો પુત્ર કઈ પરિસ્થિતિમાં છે અને કેવો છે ? - નીતા પ્રજાપતિ, મિલનની માતા
સરકારને ઉકેલ લાવવા અપીલ: સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, થોડાક સમય પહેલા જ તેની સાથે વાત થઈ હતી. તેણે જણાવ્યું હતું કે હાલ તેના વિસ્તારમાં આવી કોઈ પરિસ્થિતિ નથી. મારા પુત્રએ જણાવ્યું હતું કે મારી ચિંતા નહીં કરો. અહીં કોઈ સમસ્યા નથી. અમે માત્ર સરકારને માત્ર આટલી જ અપીલ કરીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ લાવે. જેથી કરીને હજારો વાલીઓ છે તેમની ચિંતા ઓછી થઈ જાય. અગાઉ માત્ર દિવસ દરમિયાન એક વખત વાત થતી હતી અથવા તો બે દિવસ બાદ વાત કરતા હતા પરંતુ હવે દિવસમાં બેથી ત્રણ વખત વાત કરીએ છીએ.
કેનેેડાના નાગરિકોની વિઝા અરજી પર પ્રતિબંધ: મિલનની માતા નીતા પ્રજાપતિ દિવસમાં બેથી ત્રણ વખત મિલનને વીડિયો કોલ કરીને ત્યાંની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે કેનેેડાના નાગરિકોની વિઝા અરજી પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વિઝા પરના કામચલાઉ પ્રતિબંધની પણ ભારતીય વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં થાય. આનો અર્થ એ થયો કે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારોને ડરવાની જરૂર નથી.