સુરતઃ તાજેતરમાં જ વિપક્ષના વિરોધ સાથે નવું કૃષિ બિલ સંસદમાં પાસ થયું હતું. વિપક્ષ અને ખેડૂતો દ્વારા આ બિલનો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય કેબિનેટ પ્રધાન હરસિમરત કૌર બાદલે પણ આ બિલના વિરોધમાં રાજીનામુ આપી દીધું છે. શુક્રવારે ઓલપાડ બજારમાં ઓલ ઇન્ડિયા કિસાન સંઘ દ્વારા નવા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. 'બિલ રદ્દ કરો રદ્દ કરો'ના નારા અને બેનરો સાથે ખેડૂત સમાજે બિલનો વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂત સમાજનું કહેવું છે કે, જે નવું કૃષિ બિલ લાવવામાં આવ્યું છેસ, તે ખેડૂત વિરોધી છે. આ બિલની જોગવાઈઓ દ્વારા નાના ખેડૂતોને મારવાનો વારો આવશે. જેથી આ બિલ રદ્દ કરવામાં આવે તેવી માગ કરીએ છીએ. જો બિલ રદ્દ કરવામાં નહીં આવે તો ભારતભરમાં ખેડૂતો દ્વારા આ બિલનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
આ સાથે ખેડૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં જો તેમની બિલ રદ્દ કરવાની માગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભારત બંધ જેવા જ્વલંત આંદોલનો કરવામાં આવશે. આ બિલના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ અને અન્ય ખેડૂત આગેવાનો જોડાયા હતા. આગેવાનો દ્વારા ઓલપાડ બજારમાં દુકાનો પણ બંધ કરાવામાં આવી હતી, જેના કારણે ઓલપાડ પોલીસ દ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.