બારડોલી: તાપી જિલ્લામાં વીજળી પડવાથી બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત થયા છે. સોનગઢ તાલુકાના ગુંદી ગામે ખેતરમાં કામ કરતી મહિલા કુસુમ વસાવાનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં સોનગઢ તાલુકાના ખાંભલા ગામે અર્જુન ગામીતનું પણ વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. બંને વ્યક્તિ અલગ અલગ જગ્યા પર ખેતરમાં કામ કરી રહ્યા હતા.
ખેતરમાં પડી વીજળી: બારડોલી તાલુકાના કાંટી ફળિયામાં રહેતા સુરેશભાઈ રાનીયાભાઈ ચૌધરીના ખેતરમાં મરચા તોડવા માટે કરચકા ગામથી શ્રમિકો આવ્યા હતા. રવિવારે સવારે શ્રમિકો મરચા તોડી રહ્યા હતા તે સમયે અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસતા શ્રમિકોએ વરસાદથી વૃક્ષ નીચે આશરો લીધો હતો. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડતાંં અફરાતફરી મચી ગઇ હતી અને શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
તાલુકા મુજબ વરસાદના આંકડા: આ દરમિયાન વ્યારામાં 13 mm, વાલોડમાં 13 mm, સોનગઢમાં 26 mm, ડોલવણમાં 23 mm, નિઝરમાં 09 mm અને કુકરમુંડામાં 09 mm વરસાદ વરસ્યો હતો.
એક મહિલાનું મોત: ખેતર માલિકને જાણ થતા જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને અલગ અલગ વાહનોમાં તમામને કડોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 40 વર્ષીય સુમન હરીશ હળપતિ (રહે વડ ફળિયું, કરચકા)નું મોત થયું હતું. ગંભીર રીતે ઇજા પામેલ ચારને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાની હાલત ગંભીર થતા તેમને સુરત ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ખેતર માલિક હર્ષલ સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં મરચાં તોડવાનું કામ ચાલી રહ્યું ત્યારે અચાનક વરસાદ શરૂ થતાં શ્રમિકો આશરો લેવા વૃક્ષ નીચે ઉભા રહ્યા હતા. તે સમયે જ વીજળી પડતા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. કમનસીબે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય નવને કડોદ તેમજ બારડોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોની યાદી:
જ્યોત્સનાબેન નીતિનભાઈ હળપતિ (ઉ.વર્ષ 32)
ક્રિષ્ના રમેશભાઈ હળપતિ (ઉ.વર્ષ 19)
રોશની ચેતનભાઈ હળપતિ (ઉ.વર્ષ 22)
મધુબેન ખાલપભાઈ હળપતિ (ઉ.વર્ષ 50)
સંદીપભાઈ અરવિંદભાઈ હળપતિ (ઉ.વર્ષ 32)
આશાબેન ચંદુભાઈ હળપતિ (ઉ.વર્ષ 38)
શારદાબેન સન્મુખભાઈ હળપતિ (ઉ.વર્ષ 45)
મંજુબેન ઉક્કડભાઈ હળપતિ (ઉ.વર્ષ 50)
હીનાબેન અરવિંદભાઈ હળપતિ (ઉ.વર્ષ 29)