- ગામના 300 લોકો મતદાનથી અળગા રહ્યા
- વિકાસના કામો અને પાકા મકાન બનાવી આપવાની કરી હતી માંગ
- ચૂંટણી પૂર્વે આપી હતી મતદાન બહિષ્કારની ચીમકી
બારડોલી: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના રૂંઢવાડા ગામ જિલ્લા પંચાયતની ઊંભેળ બેઠક અને તાલુકા પંચાયતની વિહાણ બેઠક અંતર્ગત આવે છે. આ રૂંઢવાડાના ગ્રામજનોએ ચૂંટણી પહેલા જ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. આમ છતાં રાજકીય પક્ષ કે સરકારી અધિકારીઓ ગ્રામજનોને ચૂંટણી પહેલા મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
વિકાસના કામો નહીં થતા ચૂંટણીનો બહિષ્કાર
વિકાસના કામોને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. આજરોજ એક પણ મતદાર મતદાન મથક સુધી નહીં પહોંચતા પ્રિસાઈડિંગ ઓફિસરે ઉચ્ચ કક્ષાએ જાણ કરતાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા મથકેથી અધિકારીઓ રૂંઢવાડા ગામે દોડી આવ્યા હતા. ગ્રામજનો સાથે ચર્ચા કરતાં વિકાસના કામો સાથો-સાથ ગ્રામજનોએ પાકા ઘર બનાવવાની દરખાસ્ત અધિકારી સમક્ષ મૂકી હતી.
300 મતદાર ધરાવતા ગામમાં શૂન્ય મતદાન
જો કે ચૂંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતા અમલમાં હોય અધિકારીઓ કોઈ બાહેંધરી આપી શકે તેવી પરિસ્થિતીમાં ન હતા. જેથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી એક પણ મતદાર મતદાન મથકે પહોંચ્યો ન હતો.