સુરત : આજથી રાજ્યના વિવિધ શહેરો માટે 40 એસટી બસો લોકો માટે શરુ કરવામાં આવી છે. શહેરના સરથાણા વિસ્તારથી રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને શિક્ષણ પ્રધાન પ્રફુલભાઇ પાનસેરિયાના હસ્તે બસ સેવા ખુલ્લી મુકવામાં આવી છે. ત્યારે આવતા અઠવાડિયામાં વધુ 40 બસો લોકોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે. જે થકી મુસાફરોને મુસાફરી કરવામાં સરળતા રહેશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 6 મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતાની સેવામાં કુલ 900 જેટલી બસો ખુલ્લી મુકવામાં આવી છે.
નવી બસનું લોકાર્પણ : આ બાબતે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર છ મહિનામાં જ ગુજરાતની જનતાની સેવામાં 820 બસ ખુલ્લી મુકવામાં આવી છે. આજે ફરીથી 40 બસો રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયા અને ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી હસ્તે ખુલી મુકવામાં આવી છે. આવતા અઠવાડિયે બીજી 40 બસ ખુલ્લી મુકવામાં આવશે. એટલે કે 6 મહિનામાં રાજ્યમાં કુલ 900 જેટલી બસો લોકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. તે ઉપરાંત આવનાર વર્ષમાં 2000 જેટલી નવી બસો ચાલુ કરવાના છીએ. તેનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.
હાલમાં 40 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવતા અઠવાડિયે બીજી 40 બસો ખુલ્લી મુકવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 6 મહિનામાં 900 જેટલી નવી બસ ગુજરાતની જનતા માટે શરુ કરવામાં આવી છે.-- હર્ષ સંઘવી (ગૃહ રાજ્યપ્રધાન)
ધારાસભ્યની માંગ : હર્ષ સંધવીએ વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયા તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેમની આ માંગણી ઉપર તાત્કાલિક ધ્યાન આપીને વરાછા, કતારગામ અને સૌરાષ્ટ્રને જોડવા માટે એક નવો પ્રયાસ અમે આવનારા દિવસોમાં કરવાના છીએ.
ભવિષ્યનું પ્લાનિંગ : આ રીતે ઉધના વિસ્તારના ધારાસભ્ય દ્વારા ઉત્તર ગુજરાત માટે બસોમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી છે. તે માટે પણ અમે મહત્વના સપોર્ટ ઉપર આવનારા દિવસોમાં નવી બસો શરૂ કરવાના છીએ. એમાં કુલ મળીને સૌરાષ્ટ્રના કનેક્શનની વાત કરી છે. તેનું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આવનારા દિવસોમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફની નવી બસો ચાલુ કરી દેવામાં આવશે. ઉપરાંત સુરતથી ઉત્તર ગુજરાતની પણ બસો શરૂ કરી દેવામાં આવશે.