સુરત : નવરાત્રીમાં માટલી સ્વરૂપે માતાજીની ઘરોમાં સ્થાપના કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જમાનો ભલે ગમે તેટલો આગળ વધી ગયો હોય પરંતુ માટલી મુકવાની પ્રથા આજે પણ અકબંધ છે. જોકે સમયાંતરે તેમાં પણ અવનવી ડિઝાઇન અને વિવિઘતા વધતી જાય છે. એટલે તો આજે માટલીમાં પણ વિવિધ પ્રકારની વેરાયટીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના કેટલાંક કલાકારોએ બનાવેલી માટલીઓ આજે આકર્ષણનું કેન્દ્ર બની છે. શું છે તેની ખાસીયત જાણો અહીં.
યુનિક માટલીની વધી ડિમાન્ડ: આધ્યશક્તિની ઉપાસનાનું પર્વ એટલે કે નવરાત્રીને હવે ખુબ ઓછા દિવસો બાકી રહ્યાં છે ત્યારે, નવરાત્રી પર્વે પરંપરાગત માટલીની સ્થાપના કરવાની પરંપરા આજે પણ અકબંધ છે. સુરતમાં માતાજીના ચિત્રવાળી માટલીઓ હવે લોકો કસ્ટમાઇઝડ કરાવતા થયા છે. ખાસ કરીને માતાજીના ચિત્રવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવી રહ્યાં છે, જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર પેઈન્ટિગ કરાવે છે. યુનિક માટલીની ડીમાન્ડવાળા લોકો માટે ફૂટની દોરીથી ડેકોરેટ કરેલી માટલી પણ હવે મળતી થઈ છે. જૂટની દોરીથી વિભિન્ન ડિઝાઇન કરી તેને સુંદર રંગ કરી આકર્ષક બનાવવામાં આવે છે. તે સિવાય આકર્ષક રેશમી દોરાથી સજાવેલી માટલી પણ લોકો પસંદ કરી રહ્યા છે.
માતાની છબી પેઇન્ટ કરેલી માટલીનું આકર્ષણ: હવે તો લોકો માટલીઓ પણ કસ્ટમાઇઝડ કરાવતા થયા છે. ખાસ કરીને ફોટોવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવે છે. જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર દોરાવે છે. એટલું જ નહીં કેટલાક લોકો તો અમેરિકન ડાયમંડ થી માતાજીના ચિત્રને શણગારવાનો પણ ઓર્ડર આપી રહ્યા છે. જે દરેક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. માતાજીની પેઈન્ટિંગ વાળી એક માટલી તૈયાર કરતા ત્રણ કલાકનો સમય લાગે છે.
માટલી તૈયાર કરવામાં લાગે છે 3 કલાક: સુરતમાં ફોટો પેઇન્ટ કરેલી માટલી બનાવતા પરિમલભાઈ ગજ્જર જણાવે છે કે, આ પ્રકારની માતાજીના ફોટોવાળી માટલી તૈયાર કરતા તેમને ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય લાગે છે. પ્રથમ લેયર બાદ માતાજીનું મુખ દોરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં રંગો પુરી ફાઇનલ ટચ આપવામાં આવે છે. સુરતીલાલાઓમાં આવી માટલીઓની ડિમાન્ડ પણ ખૂબ વધી રહી છે.
300 થી 700 રૂપિયા કિંમત: વધુમાં પરિમલભાઈ જણાવે છે કે, લોકો પોતાની કુળદેવીની તસ્વીર માટલીઓ પર બનાવવા કહે છે, તેના આધારે અમે જરદોશી જરી સહિત અન્ય વર્ક તેની ઉપર કરતા હોઈએ છીએ. આ વખતે 200 જેટલી માટલીઓ કસ્ટમાઇઝ કરી છે, એક માટલીની કિંમત 300 રૂપિયા થી લઈ 700 રૂપિયા સુધી હોય છે. કેટલી માટલીઓમાં અમે સુરતની ફેમસ સાડી પણ લગાવીએ છીએ જેથી માતાજીની આબેહૂ પ્રતિકૃતિ લાગે. આ માટલીઓ માત્ર સુરતના લોકો જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, જામનગર, રાજકોટ થી ડિમાન્ડ કરી રહ્યાં છે.