સુરત : આમ તો લોકો સુરતને ડાયમંડ સીટી તરીકે ઓળખે છે. પરંતુ આ શહેરના લોકો ડાયમંડની માત્ર જ્વેલરી જ નથી બનાવતા પરંતુ ડાયમંડને દાંતમાં પણ લગાવી રહ્યા છે. નવરાત્રીમાં હાલ આ નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પર્વને લઈ ખેલૈયાઓ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે. ખેલૈયાએ એક બાજુ પરિધાન અને જ્વેલરી ખરીદી રહ્યા છે. બીજી બાજુ ડેન્ટિસ્ટ પાસે જઈ દાંત ઉપર ડાયમંડ લગાવી રહ્યા છે. દાંત ઉપર ખાસ સ્વરોસ્કી ડેન્ટિસ્ટ લગાવી રહ્યા છે.
ખાસ દાંત માટે ડાયમંડ : સૌથી અગત્યની વાત છે કે, દાંત પર લગાવવાના આ ડાયમંડ અલગ-અલગ 16 જેટલા શેડમાં મળે છે. પોતાના પરિધાન અને પસંદગી મુજબ ખેલૈયાઓ અલગ અલગ રંગના ડાયમંડ પોતાના દાંત ઉપર લગાવી શકે છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી દાંત ઉપર ડાયમંડ લગાવવા માટે અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ પણ ખેલૈયાઓને મળી રહ્યા છે. એક દાંત પર એક ડાયમંડ લગાવવા માટે 2000 રુપિયાથી 2500 રૂપિયા સુધી કિંમત લાગતી હોય છે. પરંતુ હાલ નવરાત્રી પર ડિસ્કાઉન્ટ મળતા આ ડાયમંડ રૂ. 800 માં લાગી જાય છે.
અવનવા શેડના ડાયમંડ : સુરતના ડેન્ટિસ્ટ ડોક્ટર હેતલ તંબાકુવાલાએ જણાવ્યું હતું કે, સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે માત્ર ડાયમંડથી તૈયાર જ્વેલરી જ લોકો પસંદ નથી કરી રહ્યા પરંતુ હાલ નવરાત્રી દરમિયાન લોકો દાંત ઉપર ડાયમંડ લગાવવા માટેની ડિમાન્ડ કરી રહ્યા છે. આ ડાયમંડ ખાસ પ્રકારનો હોય છે. જેને સ્વરોસ્કી કહેવાય છે. આ અલગ અલગ 16 પ્રકારના શેડમાં મળી જાય છે. આ ડાયમંડ દાંતમાં લગાવવામાં માત્ર પાંચ મિનિટ લાગે છે. એટલું જ નહીં જ્યારે આ દાંત પરથી ડાયમંડ કાઢવો હોય તો તેને ગણતરીની સેકન્ડમાં કાઢી શકાય છે.
મેં બે ડાયમંડ પોતાના દાંત ઉપર લગાવ્યા છે. જેના કારણે નવરાત્રીમાં હું અન્ય ખેલૈયાઓ કરતા જુદી લાગીશ. જ્યારથી ડાયમંડ લગાવ્યો છે ત્યારથી મારી સ્માઈલ બદલાઈ ગઈ છે. પોતે મને આ સ્માઈલ ખૂબ જ ગમી રહી છે. -- રેણુ મિશ્રા
આ સ્ટાઈલ સુરક્ષિત છે ? ડોક્ટર હેતલે વધુમાં જણાવ્યું હતું કે, ડાયમંડ લગાવ્યા બાદ તે છ મહિનાથી લઈ ચાર વર્ષ સુધી રહે છે. જ્યારે ખેલૈયાઓની ઈચ્છા હોય ત્યારે તેઓ સહેલાઈથી તેને કાઢી પણ શકે છે. આ ડાયમંડને લગાવવા માટે અમે ખાસ એક પેસ્ટ લગાવીએ છીએ. ત્યારબાદ તેને લાઈટ આપીએ છીએ અને માત્ર પાંચ મિનિટમાં દાંત ઉપર આ ડાયમંડ લાગી જાય છે. આમ તો આ એકદમ સુરક્ષિત અને સુંદર માધ્યમ છે. તેમ છતાં જો કદાચ આ ડાયમંડ નીકળી જાય અને પેટની અંદર ચાલી જાય તો સહેલાઈથી સ્ટૂલના માધ્યમથી બહાર પણ નીકળી જશે.
ખેલૈયાઓને ઘેલુ લાગ્યું : દાંત ઉપર ડાયમંડ લગાવનાર રેણુ મિશ્રાએ જણાવ્યું હતું કે, હું નોકરી કરું છું અને દર વર્ષે નવરાત્રીની રાહ જોઉં છું. ગરબા મને ખૂબ જ પસંદ છે. નવ દિવસ માટે અલગ અલગ પરિધાન અને જ્વેલરી ખરીદતી હોઉં છું. પરંતુ આ વખતે મને જાણ થઈ કે, દાંત ઉપર હીરા પણ લગાવી શકાય છે. નવરાત્રીમાં આ ખાસ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેથી હું પણ દાંત ઉપર ડાયમંડ લગાડવા માટે આવી છું.