સુરત: સુરતમાં ફરજ બજાવી રહેલા 67 જેટલા પોલીસ અધિકારી સહિત જવાનો કોરોના સંક્રમિત થયા છે, તેમ છતાં તેઓ પ્રજા હિત માટે પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી. કોરોનાને માત આપ્યા બાદ આ અધિકારીઓએ પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ અન્ય સંક્રમિતોની મદદ કરી તેમને નવજીવન આપી શકે. આ માટે શુક્રવારે સુરતના પોલીસ કમિશનર મુખ્યાલયમાં 22થી વધુ પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે એન્ટીબોડી ટેસ્ટ કરાવવા હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે લોકડાઉન અને અનલોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં અનેક કાર્યરત જવાનો અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાંથી સારવાર લઇને સ્વસ્થ થયેલા પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરી કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપશે.