કાપોદ્રા વિસ્તારમાં રહેતા દયાબેન કેવડિયાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા બે દિવસ અગાઉ મહિધરપુરા વિસ્તારની અપૂર્વ ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સિઝેરીયન દરમિયાન મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે, મહીલાની તબિયત વધુ લથડતા સારવાર અર્થે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ તબીબની બેદરકારીનો આરોપ મુકતા હોબાળો થયો હતો.
છેલ્લા બે દિવસથી પરિવારે કાર્યવાહીની માગ કરવાની સાથે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો છે. પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અપૂર્વ હોસ્પિટલના તબીબ દ્વારા પ્રથમ તો મહિલાની હાલત સુધારા પર હોવાનું કહી બાદમાં સિઝેરીયન ડિલિવરી કરવા જણાવ્યું હતું. હોસ્પિટલના મુખ્ય તબીબ દ્વારા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું ન હતું. જેથી મહિલાનું મોત નિપજ્યું છે. કસુરવારો સામે પગલાં ભરવામાં આવે તેવી માગ છે. આ સાથે પરિજનો છેલ્લા બે દિવસથી સમિકેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ન્યાયની માગ સાથે ધરણા પર બેઠા છે, ત્યારે કેવડિયા સમાજના આગેવાન બાબુ માંગુકિયા પણ પરિવારને સાંત્વના અને તબીબ સામે કાર્યવાહીની માગ સાથે ત્યાં આવી પહોંચ્યા હતાં.
પોલીસે પરિવાર અને સમાજના આગેવાનોને સમજાવવાના પણ ઘણા પ્રયાસ કર્યા હતાં પરંતુ, પરિવારજનોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી કસુરવારો સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.