સુરત : લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. વર્ષ 2018 માં એક 17 વર્ષની કિશોરીને પોતાનું નામ કરણ તરીકે જણાવી દિલ્હી લઈ જઈ લગ્ન કરનાર આરોપી રિઝવાનની સુરત પોલીસે અટકાયત કરી છે. આ પ્રકરણમાં અન્ય સમુદાયના યુવકે બળજબરીથી યુવતીનું ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું.
આરોપીએ સગીરાને ફસાવી : આ અંગે પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરત પાંડેસરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી એક કારખાનામાં નોકરી કરતી હતી. ત્યારે આરોપી રીક્ષાચાલક તેને લાવવા અને ઘરે છોડવા માટેનું કામ કરતો હતો. દરમિયાન આરોપીએ પીડિતાને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી વર્ષ 2008માં પોતાનું નામ કરણ જણાવી કિશોરીને દિલ્હી લઈ ગયો હતો. ત્યાં જ્યારે પીડિતા ગર્ભવતી હતી ત્યારે તેનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પીડિતા ગર્ભવતી હોવાના કારણે તે કોઈ પણ પ્રકારનો વિરોધ કરી શકતી નહોતી.
બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન : ત્યારબાદ આરોપી પીડિતાને પોતાના વતન ઉત્તરપ્રદેશ લઈ ગયો અને અન્ય ધર્મના પરિવેષમાં રાખતો હતો. બીજી વાર યુવતી ગર્ભવતી થઈ અને બાળકનો જન્મ આપ્યો. ત્યારે તેને જાણવા મળ્યું હતું કે, તેનો પતિ રિઝવાન અન્ય એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી રહ્યો છે. જ્યારે યુવતીએ આ અંગે પતિ રિઝવાનને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવા માટે તેમણે ફંડિંગ આપવામાં આવે છે. પીડિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા આખરે આરોપી રીઝવાની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ ઓળખ છુપાવી : આ મામલે ACP એમ.ડી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હિન્દુ દીકરી જે કારખાને નોકરી માટે જતી હતી. ત્યાં આરોપી યુવક રિક્ષા લઈને તેને મૂકવા અને લેવા જતો હતો. આરોપીએ પીડિત યુવતીને પોતાનું નામ કરણ તરીકે જણાવ્યું હતું. આ બંને વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યાર પછી આરોપીએ પીડિતા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી આરોપી યુવતીને પોતાની સાથે દિલ્હી લઈ જાય છે. વર્ષ 2018 માં તેણે લગ્ન કર્યા હતા. આ પીડીતાની ઉંમર 17 વર્ષ હતી, તે સગીર વયની હતી. આરોપી આ અંગે જાણતો હતો. છતા આરોપીએ તેની સાથે લગ્ન કર્યા હતા અને પોતાનું અસલ નામ તેને છુપાવ્યું હતું.
લવ જેહાદના આ પ્રકરણમાં આરોપી સાથે અન્ય કયા લોકો સંકળાયેલા છે તે અંગે અમે હવે તપાસ કરીશું. વર્ષ 2018 માં આરોપીએ દીકરીને પોતાનું નામ કરણ તરીકે જણાવ્યું હતું. જેથી સુનિયોજિત કાવતરું હોઈ શકે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અન્ય એક હિન્દુ યુવતી સાથે સંપર્કમાં છે. -- એમ.ડી.ઉપાધ્યાય (ACP, સુરત પોલીસ)
પીડિતાને ભૂલ સમજાઈ : ACP એમ.ડી.ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી લઈ ગયા પછી પીડિતાને જણાવે છે કે તેનું નામ કરણ નથી પરંતુ રિઝવાન છે. તે સમયે ગર્ભવતી થઈ ગઈ હતી. જેથી બાળક વિશે વિચારીને તે ત્યાં ચૂપચાપ રહેવા લાગી હતી. તે સમયે આરોપીએ યુવતીને કહ્યું હતું કે, અમે કોઈ મૂર્તિપૂજામાં માનતા નથી અને તારે પણ પૂજા કરવી નહીં. મારો ધર્મ અંગીકાર કરવો પડશે. જેથી તેને જબરજસ્તી ધર્માંતરણ કરાવ્યું હતું. ત્યાર પછી યુવતીને કહ્યું કે, હવે આપણે પોતાના વતન જતા રહીએ અને યુવતીને પોતાના વતન ઉત્તરપ્રદેશ લઈ ગયો. જ્યાં તેના પરિવારના સભ્યો રહેતા હતા. પીડિતાએ દીકરીને જન્મ આપ્યા તો તેને કહેતા હતા કે દીકરાનો જન્મ શા માટે નહીં થયો દીકરીનો જન્મ કેમ થયો ? દિકરીના જન્મ બાબતે ઝઘડો કરતા હતા.
આરોપીએ કર્યો ઘટસ્ફોટ : સમગ્ર મામલે ACP ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આરોપી યુવતીને પોતાનો વતન લઈ ગયો. ત્યારે ત્યાં અન્ય ધર્મના પહેરવેશ એટલે બુરખામાં જ રાખતો હતો. ત્યાર પછી તેને બીજો બાળક થયો. આ દરમિયાન પીડિતાને ખબર પડી કે તેના પતિ રિઝવાન અન્ય કોઈ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાનો છે. જ્યારે આ અંગે પીડીતાએ પોતાના પતિ રિઝવાનને પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે, અન્ય ધર્મમાંથી જેટલી યુવતીઓ અમે લાવીશું તેટલા પૈસા અમને મળશે અને તેટલો જ અમારા ધર્મનો પ્રસાર થશે. આરોપી પતિની આ વાત સાંભળીને યુવતીએ પોતાના પરિવારને આ અંગે જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ થઈ હતી. આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.
લવ જેહાદ રેકેટ ? સુરત પાંડેસરા લવ જેહાદ મામલે હાલમાં વધુ એક ખુલાસો થયો છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આરોપીએ મુંબઈની એક હિન્દુ યુવતીને પણ પ્રેમજાળમાં ફસાવી છે. આરોપી મુંબઈમાં કાપડના કારખાનામાં કામ કરતો હતો. આરોપીએ મુંબઈમાં પણ નામ બદલીને યુવતીને ફસાવી હતી. આરોપીની ધરપકડ બાદ તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી ધર્મ પરિવર્તનને લગતું સાહિત્ય મળી આવ્યું હતું. હાલમાં આરોપીનો મોબાઈલ FSL માં મોકલવામાં આવશે અને મોબાઈલ મહત્વપૂર્ણ પુરાવો સાબિત થશે.