- સુરતમાં લાલુ જાલિમ ગેંગનો આતંક
- પાણી-પૂરીની લારી ચલવતા 17 વર્ષીય કિશોરને બે ઈસમોએ ઢોરમાર માર્યો
- આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ
સુરત: અમરોલી કોસાડ લેક ગાર્ડનની પાસે પાણી-પુરીની લારી ચલવતા 17 વર્ષીય કિશોરને બે ઈસમોએ ઢોરમાર માર્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ મામલે પોલીસે મારામારીનો ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ માર મારનારા બંને ઈસમો લાલુ જાલિમ ગેંગના હોવાનું જાણવા મળ્યું છે.
લાલુ જાલિમના માણસો છીએ, અમારો ખ્યાલ રાખતો નથી
સુરતમાં અમરોલી કોસાડ લેકગાર્ડનની પાસે શંકરભાઈ ગુજ્જર પાણી પૂરીની લારી ચલાવે છે. તેઓને કામ હોવાથી તેઓ તેના 17 વર્ષીય પુત્રને લારી પર ઉભો રાખી કામ અર્થે બહાર ગયા હતા. તે વેળાએ બે ઇસમો ત્યાં આવ્યા હતા અને પાણી-પુરી ખાધી હતી. જે બાદમાં 17 વર્ષીય કિશોરે પાણી પુરીના પૈસા કાપી પરત અન્ય પૈસા પરત આપી દીધા હતા. જો કે થોડીવાર બાદ બંને ઈસમો પરત આવ્યા હતા અને તે અપશબ્દો બોલી અમને ઓળખતો નથી, લાલુ જાલિમના માણસો છીએ, અમારો ખ્યાલ રાખતો નથી, અહીંયા ધંધો કરવો હોય તો સાહેબજી કરવી પડે એવી વાત કરી ઝઘડા પર ઉતરી પડ્યા હતા. જો કે, કિશોરે અપશબ્દો ન બોલવા કહેતા હાથાપાય શરૂ કરી હતી. જેમાં રોષે ભરાયેલા બંને ઈસમોએ કિશોરને ઢોર માર માર્યો હતો. કિશોરને મનફાવે તેમ લાતો અને તપેલાથી માર માર્યો હતો. આસપાસ ઉભેલા લોકો માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. કોઈએ પણ આ બંને બદમાશોને રોકવાની કોશિશ કરી ન હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસે આ મામલે મારામારીનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
જાલિમ અને તેની ગેંગનો આતંક સામે આવ્યો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી લાલુ જાલિમ અને તેની ગેંગનો આતંક સામે આવ્યો છે, ત્યારે પોલીસ હવે આ ગેંગ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.