સુરત: સ્મીમેર હોસ્પિટલમાંથી 4 વર્ષીય બાળકનું અપહરણ થવાની ઘટના સામે આવી છે. સુરતની SMC ની સ્મીમેર હોસ્પિટલમાં બાળકની માતાનું ગત શુક્રવારે પ્રસુતિ થતા તેના સગા સંબંધી તેઓને જોવા માટે આવ્યા હતા. મહિલાનો 4 વર્ષીય પુત્ર પણ જોવા માટે હોસ્પિટલ આવ્યો હતો ત્યારે અચાનક બાળક બહાર નીકળ્યા બાદ ગુમ થઇ થતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે બાળકને શોધી કાઢ્યું: બાળક મળી ન આવતા અંતે પરિવારે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે પરિવારની ફરિયાદ લઈ હાલ તપાસ શરૂ કરી છે. પોલીસને હોસ્પિટલના સીસીટીવીમાં એક અજાણી મહિલા બાળકને લઈ બહાર જતી જોવા મળી રહી હતી. પોલીસે સીસીટીવીના માધ્યમથી બાળકને શોધી કાઢ્યો અને મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
'આ ઘટના ગઈકાલે સાંજે 4 વાગ્યાંની આસપાસ સ્વીમેર હોસ્પિટલમાં બની હતી. જેમાં 4 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં એક મહિલા બાળકને લઈને ભાગી ગઈ હતી.જેની ફરિયાદ સાંજે 8 વાગ્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા એક અજાણી મહિલા બાળકને લઇ જતા દેખાઈ રહી છે. જે આધારે તાત્કાલિક સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસના સર્વલેન્સ સ્ટાફ બાળકને શોધવામાં લાગી ગયું હતું અને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.' -એ.એન ગાભાણી, પીઆઇ, વરાછા પોલીસ સ્ટેશન
સીસીટીવીના આધારે ધરપકડ: પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાએ આગળ જતા બીજી રીક્ષા બદલી હતી અને તે ઓટોરીક્ષાનો નંબર આઇડેન્ટી ફાઈ કરીને સૌ પ્રથમ વખત રિક્ષાના ડ્રાઈવર સુધી પહોંચ્યા હતા. ડ્રાઇવર મારફતે મહિલાને જ્યાં ઉતારવામાં આવી હતી ત્યાં સુધી પહોંચ્યા હતા. તે સ્થળ ઉપર સરકારી સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા.તે ફૂટેજ ચેક કરતા અમને તે મહિલા આઈ માતા ચોક પાસે જતી દેખાય રહી હતી. તેની આગળ જે વિજયનગર સોસાયટી છે ત્યાંથી તે મહિલા દેખાતી બંધ થઈ જતા જેથી અમને એવું નક્કી તો થઇ જ ગયું હતું કે આ મહિલા અહીં જ આસપાસમાં રહે છે.
અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: બાળકના અપહરણ થવાની ઘટના સીટીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અજાણી મહિલા જઈ રહી છે અને તેના આગળ બાળક જઈ રહી છે. બીજા ફૂટેજમાં મહિલા બાળકીને ખભે લઇ જતી જોવા મળી રહી છે અને ત્રીજા ફૂટેજમાં મહિલા બાળકને પોતાના ઘરે લઇ જતી જોવા મળી રહી છે.