સુરત: હાલ તાજેતરમાં રાજ્ય મહા નગરપાલિકા,નગરપાલિકા,જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ફરી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે કામરેજ તાલુકા પંચાયતમાં ગત 14 તારીખે કામરેજ પ્રાંત અધિકારીની હાજરીમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન પંકજ ભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હર્ષદ દોઢીયા,કારોબારી અધ્યક્ષ તરીકે તેજલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા તરીકે રમેશ શિંગાળા સહિતના હોદેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારે વરણીના ચાર દિવસ બાદ સારું મુહૂર્ત જોઈને તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ સત્યનારાયણ ભગવાનની કથા કરીને પદ ગ્રહણ કર્યું હતું.
"કામરેજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ કામરેજ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો એ અમારી પર જ વિશ્વાસ મૂક્યો છે. તે બદલ પહેલા તો તેમનો આભાર વ્યક્ત કરું છું. આજરોજ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. કામરેજ તાલુકામાં વિકાસના કામો કરીશું અને લોકોના પ્રશ્નો સાંભળીશું."-- હર્ષદ ભાઈ (કામરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ)
કામરેજ તાલુકામાં ભાજપનો કબજો: પૂજા બાદ બાકી રહેલ અઢી વર્ષની ટર્મ જે પણ બાકી રહી ગયેલા કામો છે એ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનિય છે કે 20 સીટ ધરાવતી કામરેજ તાલુકા પંચાયતમાં 18 સીટ પર ભાજપનો કબજો છે. જ્યારે બે સીટોમાં આમ આદમી પાર્ટીના કબજે છે. ત્યારે ભાજપે તો અઢી વર્ષ પૂર્ણ થતાં નો રિપીટેશન ફોર્મ્યુલા લાગુ કરી હોદેદારોને બદલી નાખવામાં આવ્યા હતા. હવે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના નેતા આગામી દિવસો બદલે છે કે પછી જે.ડી કથીરીયાને યથાવત રાખે છે એ જોવું રહ્યું.