કામરેજ: બદલાતા જમાનાની સાથે ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓ કરવાની પદ્ધતિ પણ બદલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેંતરિંપડી, બ્લેકમેલિંગ અને હનીટ્રેપની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આજના સમયમાં સોશિયલ મિડિયાના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદાઓ પણ છે. કેટલાક આરોપી યુવતીઓ નામે એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી લોકોને પોતાની માયાજાળમા ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવતા હોય છે. કામરેજ પોલીસે આવી જ એક ગેંગને ઝડપી લીધી હતી.
ઝડપાયેલ ઈસમો મહિલાના નામે ફેસબુક id બનાવતા: કામરેજ પોલીસ મથકે બે વ્યક્તિઓએ હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે કામરેજ પોલીસે આ ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોક્કસ બાતમીના આધારે ત્રણ મહિલા સહિત 11 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ ઈસમો મહિલાના નામે ફેસબુક id બનાવતા અને પુરુષોને રિકવેસ્ત મોકલી મિત્ર બની બાદમાં સેકસનું કહી મળવા બોલાવતા હતા. એક મહિલા પુરુષ સાથે થોડો સમય વિતાવતિ અને બાદમાં અન્ય ઈસમો આવતા અને ભાભી નણંદ, ભાઈ બહેન અને પોલીસની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરી ઢોર માર મારતા હતા.
આ ગેંગએ કેટલા લોકોને શિકાર બનાવ્યો? સીધી રીતે કોઈ ભોગ બનનાર પુરુષ રૂપિયા ન આપે તો ચપ્પુની અણીએ તેઓને લૂંટી લેતા. હાલ તો પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી કાર, બાઈક, મોબાઈલ, ચપ્પુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ ગેંગએ કેટલા લોકોને શિકાર બનાવ્યો છે અને આ ગેંગમાં અન્ય કેટલા ઇસમો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર એ જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળતા જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેંગને ઝડપી લીધી છે. હાલ તેઓની પૂછપરછ ચાલુ છે, ઝડપાયેલ ઇસમોના રિમાન્ડ લેવામાં આવશે.