- 25મી જાન્યુઆરીએ કર્યું હતું અપહરણ
- પોલીસે શંકાના આધારે તેના સસરા અને મિત્રની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
- મૃતકે 4 વર્ષ પહેલાં કર્યા હતા લવમેરેજ
સુરતઃ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતા રાહુલ શંકર પ્રસાદ શાહએ ચાર વર્ષ પહેલા વરેલીની ગીતગોવિંદ સોસાયટીમાં રહેતા મનોજ નંદપ્રસાદ ઝાની પુત્રી સ્વીટીની સાથે લવ મેરેજ કર્યા હતા. જે મનોજને પસંદ ન હતું. ગત 25મી જાન્યુઆરીના રોજ રાહુલ ઘરેથી ગુમ થઈ જતાં તેની પત્નીએ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
સી.સી.ટી.વી. ફૂટેજમાં ફૂટ્યો ભાંડો
પોલીસે આ રિપોર્ટને આધારે CCTV ફૂટેજ અને અન્ય રીતે તપાસ કરતાં રાહુલ તેના સસરા મનોજ અને રણજીત સાથે જતો જોવા મળી રહ્યો હતો. આથી પોલીસે મનોજ અને રણજીતને બોલાવી પૂછપરછ કરી હતી. કડકાઇથી પૂછપરછ કરતાં બંનેએ રાહુલની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.
ગળે ટૂંપો માર્યા બાદ બ્લેડથી ગળું કાપી નાખ્યું હતું
પોલીસે બંનેને સાથે રાખી જ્યાં હત્યા કરી હતી. તે જગ્યાએ તપાસ શરૂ કરી હતી. જ્યાંથી પોલીસે રાહુલની મૃતદેહ કબ્જે કરી હતી. રાહુલની હત્યા પહેલા ગળે ટૂંપો આપ્યા બાદ બાદમાં બ્લેડની ગળું કાપ્યું હતું અને મૃતદેહને ઝાડીમાં ફેંકી દીધી હતી.
અપહરણ કર્યા બાદ ઝાડીમાં લઈ જઈ કરી હત્યા
બંનેએ હત્યા કરતાં પહેલા રાહુલને બહાર બોલાવી બાઇક પર બેસાડી લઈ ગયા હતા અને બાદમાં તેને અંત્રોલી ગામની સીમમાં રીંકું સ્કૂલની પાછળ ઝાડીઝાંખરાંમાં લઈ જઇ હત્યા કરી નાખી હતી. પોલીસે સ્વીટીની ફરિયાદના આધારે મનોજ નંદપ્રસાદ ઝા અને રણજીત સંજયસિંગ રાજપૂતની સામે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી અપહરણમાં ઉપયોગ કરેલી બાઇક અને 2 મોબાઈલ સહિત 31 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.