સુરત : સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળતા તંત્ર હરકતમાં છે. અત્યાર સુધીમાં 6 ઘોડાઓને દયા મૃત્યુ આપવામાં આવ્યું છે. જ્યારે વધુ 20 ઘોડાઓના સેમ્પલ તંત્ર દ્વારા લેવાયા છે. એટલું જ નહીં ખાસ કરીને લાલ દરવાજા વિસ્તારમાં અશ્વ કુળને બહાર લઈ જવા પર અને બહારથી અંદર લાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્નસરાની સિઝનમાં ઘોડાઓમાં આ વાયરસ જોવા મળતા અનેક લોકો અશ્વો અને બગીની બુકિંગ પણ કેન્સલ કરી રહ્યા છે.
6 અશ્વને દયામૃત્યુ :સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં રોગચાળો જોવા મળ્યો છે. બાજુમાં ગ્લેન્ડર નામનો રોગચાળો જોવા મળતા તંત્રમાં દોડધામ બચી જવા પામી છે. કારણ કે આ રોગ માણસમાં પણ ફેલાઈ શકે છે. જેથી આ વિસ્તારમાં અન્ય અશ્વોનું પણ સેમ્પલ લેવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વધુ 20 અશ્વોના સેમ્પલો લઈ હરિયાણા ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ છ ઘોડાઓમાં આ રોગ પોઝિટિવ આવતા તેમને દયા મૃત્યુ આપવામાં આવ્યું હતું અને ભટાર ખાતે ડમ્પિંગ સાઈડમાં તેમને દફનાવવામાં આવ્યા હતાં.
અશ્વ સાથે એમના માલિકના પણ બ્લડ સેમ્પલ લેવાયા : લમ્પી વાયરસ બાદ હવે ગ્લેન્ડર રોગ રોગના કારણે તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. પશુપાલન વિભાગ માત્ર ઘોડાઓના જ નહીં પરંતુ તેમના માલિકોના પણ બ્લડ સેમ્પલ લઇ રહ્યા છે. એટલું જ નહીં ખાસ લાલ દરવાજા ભાગલ, ભરીમાતા સહિતના અન્ય વિસ્તારમાં પણ અશ્વોના તબેલામાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જે વિસ્તારમાં અશ્વના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યાં તકેદારીના ભાગરૂપે દવાઓનું છટકાવ કરવામાં આવ્યું છે અને અધિકારીઓ આસપાસના વિસ્તારમાં તપાસ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો સંતરામપુરમાં અશ્વોમાં ફેલાયો ગ્લેન્ડર નામનો ગંભીર રોગ, 2009ના અધિનિયમ મુજબ 5 અશ્વોને મારી નખાયાં
મનુષ્યને પણ આ રોગ થઈ શકે છે : લાલ દરવાજા વિસ્તારમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં અશ્વ, ખચ્ચર, ગંધર્વ, પોની જેવા અશ્વ કુળના જનાવરોને આ વિસ્તારમાંથી બહાર લઈ જવા તથા બહારથી અંદર લાવવા ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરી રહ્યા છે. પણ પશુપાલન વિભાગના અધિકારી એસ.ટી તેજાણીએ જણાવ્યું હતું કે, હાલ અમે સર્વેની કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને જે પણ વિસ્તારમાં ઘોડા અને બગીવાળા છે ત્યાં સઘન તપાસ ચાલી રહી છે. અશ્વમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે આ રોગ ફેલાય છે જેના કારણે મનુષ્યને પણ આ રોગ થઈ શકે છે.