બારડોલી: કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના તાતીથૈયા ગામની સીમમાં આવેલી શિવગંગા રેસિડેન્સી સોસાયટીની દુકાનમાં ભંગારની આડમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 12.442 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કુલ 1.39 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બાતમીના આધારે કાર્યવાહી: સુરત જિલ્લા એસ.ઑ.જી. અને કડોદરા જીઆઇડીસી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાતીથૈયાના સોની પાર્ક 2 પ્લોટ નંબર 57-58 માં આવેલી શિવગંગા રેસિડેન્સીના ગ્રાઉંડ ફ્લોરની દુકાન નંબર 2માં ભંગારની આડમાં એક ઇસમે ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા રાખી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે છાપો માર્યો હતો. જ્યાં દુકાનમાંથી વિવેક ઉર્ફે સરદાર વિશાલ પાંડે (ઉ.વર્ષ 24, રહે તાતીથૈયા, સોની પાર્ક, શિવગંગા રેસિડેન્સી, તા. પલસાણા, મૂળ રહે અમરોઈ, મિર્ઝાપૂર, ઉત્તરપ્રદેશ)ની અટક કરી હતી અને દુકાનમાં તપાસ કરતાં દુકાનમાં ભંગારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 12.440 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂ. 1 લાખ 24 હજાર 420 રૂપિયા કબ્જે કર્યો હતો.
ઑડિશાથી આવતો હતો ગાંજો: પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપી વિવેક ઉર્ફે સરદાર પાંડેએ આ જથ્થો તેને સારોજ યાદવ ઓડીસા ખાતેથી તેમના ઓળખીતા માણસો પાસેથી જથ્થાબંધ ગાંજાનો જથ્થો મગાવી તે ભંગારના વેપારની આડમાં નાનાનાના પાર્સલો બનાવી મિલોમાં મજૂરી કામ કરતાં ઇસમોને છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.
ચાર વોન્ટેડ: પોલીસે આ ગુનામાં માલ મંગાવનાર સરોજ યાદવ (રહે તાતીથૈયા, મહાદેવ વિલા. તા. પલસાણા, સુરત), માલ પૂરો પાડનાર નીરજ પ્રસાદ ગોડ (રહે જોળવા, તા. પલસાણા), ઋષિ ભૈયાલાલ પટેલ (રહે દૌરી, દુયારીગૃહ, જી. રેવા મધ્યપ્રદેશ) અને કિશન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્થળ પરથી પોલીસે 1 લાખ 24 હજાર 420 રૂપિયાનો ગાંજો, બે મોબાઇલ ફોન કિંમત રૂ. 12 હજાર અને રોકડા રૂ. 2900 મળી કુલ 1 લાખ 39 હજાર 320 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.