સુરત: હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતમાં માત્ર જન્મ બાદ 100 ક્લાક જીવેલા બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. રત્નકલાકારના બ્રેઈન ડેડ બાળકના અંગોના દાન થકી 5 બાળકોને નવજીવન મળશે. બાળક જન્મ પછી આંખ પણ ખોલી શક્યો નહોતો. જન્મથી જ તેને બ્રેઈનહેમરેજની સમસ્યા હતી. જોકે તેના ફેફસા કાર્યરત હોવાના કારણે પરિવારને આશા હતી કે બાળક સામાન્ય થઈ જશે.
જન્મ બાદ બાળકમાં કોઈ હલનચલન નહિ: મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેદેડાના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ હેમેશ ઠાકોર રત્નકલાકર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્તસ્ત્રાવ વધતાં એમની પ્રસૂતિ સિઝેરીયનથી કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેંત કોઈ હલનચલન કરતું ન હતું કે જન્મ પછી એ રડ્યું પણ ન હતું. એના શ્વાસ પણ બંધ જણાતા તાત્કાલિક કતારગામની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી હતી.
સારવાર દરમ્યાન બાળકની તબિયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો, બાળકોના મગજના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે બાળકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. સાથે ડોક્ટરોની ટીમે આ અંગે જીવન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને પણ માહિતી આપી હતી. ફાઉન્ડેશનના સભ્યોએ પરિવારને અંગદાન અંગે જાગૃત કર્યા હતા. જેથી પરિવાર 100 કલાકના બાળકનું અંગદાન કરવા માટે તૈયાર થઈ ગયું હતું.
'થોડાક સમય પહેલા અમે મીડિયામાં વાંચ્યું હતું કે પાંચ દિવસના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું. આજે ફાઉન્ડેશનના લોકોએ અમને અંગદાન અંગે જાગૃત કર્યા હતા. અમે ભગવદ ગીતામાં વિશ્વાસ મૂકીએ છીએ. આજે ગીતા જયંતીના અવસરે અમે મારા સંતાનના અંગોનું દાન કરવા નિર્ણય લીધો છે. મેં મારા પરિવારને અંગદાન માટે સમજાવ્યો અને તેઓ પણ તૈયાર થઈ ગયા હતા.' - અનુપભાઈ ઠાકોર, બાળકના પિતા
'આ ભગીરથ કાર્ય છે જે ઠાકોર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમના માટે આ દુઃખનો સમય છે તેમ છતાં તેઓએ આ ભગીરથ કાર્ય કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ પણ તેમના ઘરે પારણું બંધાતા રહી ગયું હતું તેમના ત્યાં બાળકીનું ગર્ભમાં જ મોત થયું હતું. છતાં પરિવારે આ મોટો નિર્ણય લીધો છે. જ્યારે તેઓ અંગદાન કરવા માટે તૈયાર થયા ત્યારે અમે બાળકના અનેક ટેસ્ટ પણ કરાવ્યા હતા. બાળકની બે કિડની અને બરોળનું તેમજ આંખ દાન લેવામાં આવી છે. અન્ય અંગ પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે.' - વિપુલ તલાવિયા, ફાઉન્ડેશનના ટ્રસ્ટી