સુરત: શહેરમાં કામ કરતા હજારો રત્ન-કલાકારોના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કાપવામાં આવે છે. જેની સામે સુરત રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી આ અંગે રાજ્ય સરકારમાં પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ દરમ્યાન ચાર દિવસ અગાઉ જ સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ આગામી કેબિનેટ બેઠકમાં રત્ન કલાકારોના પ્રશ્ન અંગે નિરાકરણ લાવવા રાજ્યના પ્રધાને આશ્વાસન આપ્યું હતું.
છતાં આ અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી. જેને લઈ આગામી 15, 16 અને 17ના રોજ સંઘ દ્વારા એક દિવસના બંધ અને પ્રતિક ધરણા સહિત ઉપવાસ જેવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. જે કાર્યક્રમ કરવા અંગેની પોલીસ અને તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસને લઈ સુરતમાં સાવચેતીના ભાગરૂપે રત્ન-કલાકારોને મનપા દ્વારા માસ્ક આપવામાં આવે. હજારો રત્ન-કલાકારો ડાયમંડ ફેકટરી સહિત યુનિટમાં કામ કરે છે. કોરોના વાયરસના કારણે બજારમાં માસ્કની અછત વર્તાઈ રહી છે. જ્યાં રત્ન-કલાકારોની સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે માસ્કની ફાળવણી ખૂબ જરૂરી છે. જે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.