ડાયમંડ ઓફિસના માલિકે વતન જતા પહેલા પોતાની ઓફિસમાં કામ કરતા મેનેજરને 200 કેરેટ વજનના હીરા સાચવવા માટે આપ્યા હતા. જે બાદ હીરામાં ઘટ જણાતા મેનેજરે રૂપિયા 12 લાખના હીરાની ઉચાપત કર્યા બાદ પરત કરવા ગલ્લા તલ્લા કર્યા હતાં. હીરા માલિક દ્વારા ઓફિસના સીસીટીવી ચેક કરતા મેનેજરનો ભાંડો ફૂટી ગયો હતો. જ્યાં મેનેજર સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.
વરાછા સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ કલ્યાણભાઈ ઢોળા મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના વતની છે. વરાછા ખાતે આવેલા ડાયમંડ વર્લ્ડમાં તેમની હીરાની ઓફીસ આવેલ છે. ઓફીસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષ ચતુરભાઈ શિરોયાને હીરા માલિક પ્રવિનભાઈએ 200 કેરેટ વજનના હીરા કામ અર્થે વતન જતા પહેલા આપ્યા હતાં. જ્યાં વતનથી પરત ફરેલા પ્રવિણભાઈએ મેનેજર શૈલેશ પાસે આપેલ હીરા પરત મેળવતા તેમા ઘટ જણાય હતી. 200 કેરેટ વજનના હીરામાંથી રૂપિયા 12 લાખના હીરાની ઘટ જણાતા તેઓએ શૈલેષને આ બાબતે ટકોર કરી હતી. મેનેજર શૈલેષ દ્વારા ગલ્લા તલ્લા કરાતા પ્રવિણભાઈએ ઓફિસના CCTV ચેક કર્યા હતાં.
જેમાં મેનેજર શૈલેષનો ભાંડો ફૂટી ગયો હતો. CCTV ફૂટેજમાં મેનેજર હીરા ચોરી કરતો હોવાનું સ્પષ્ટ થતા માલિક પ્રવિભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એટલુ જ નહીં હીરાની ચોરી કરનાર મેનેજરે રૂપિયા 12 લાખની કિંમતના હીરા વેપારી જયરામ શીંગાળાને વેચી માર્યા હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જે અંગે વરાછા પોલીસે મેનેજર સહિત ચોરીના હીરાની ખરીદી કરનાર વેપારી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.